America,તા.08
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં 8 મે ને ‘વિજય દિવસ’ જાહેર કર્યો છે. ટ્રમ્પે આ નિર્ણય બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાની જીતની 80મી વર્ષગાંઠના અવસર પર લીધો છે.
ટ્રમ્પે સત્તાવાર રીતે 8 મે ને ‘વિજય દિવસ’ જાહેર કર્યો છે. આ એલાન સાથે જ પ્રમુખ ટ્રમ્પે તમામ અમેરિકન લોકોને આ દિવસની શુભકામના પાઠવી અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બલિદાન આપનારા લોકોને યાદ કર્યા.
અમેરિકન પ્રમુખે આ અવસર પર કહ્યું કે, ‘મને આ જાહેર કરતા ખૂબ ખુશી થઈ રહી છે કે, મેં સત્તાવાર રીતે 8 મે ને બીજા વિશ્વ યુદ્ધ માટે વિજય દિવસ તરીકે જાહેર કરતી એક ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે.’
બીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘અમેરિકા ક્યારેય જશ્નમાં સામેલ ન થયું અને વિજય મોટાભાગે આપણી કારણે મળ્યો છે. તમે તે પસંદ કરો કે ન કરો, આપણે એ યુદ્ધમાં સામેલ થયા અને એ યુદ્ધમા વિજય મેળવ્યો અને આપણને અનેક મહાન લોકો અને મહાન સહયોગીઓ તરફથી ઘણી મદદ મળી. પરંતુ મને લાગે છે કે એવું કોઈ નથી જે કહેશે કે આપણે તે યુદ્ધમાં પ્રમુખ શક્તિ નહોતા.’
આ તારીખના મહત્ત્વ પર વાત કરતા અમેરિકન પ્રમુખે કહ્યું કે, ‘વિજય દિવસની ઉજવણી ન કરવી એ તે લોકો પ્રત્યે મોટું અપમાન છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો અને જેમણે બીજા વિશ્વ યુદ્ધને જીતવામાં સખત મહેનત કરી.’
તેમણે આગળ કહ્યું કે, ‘તે અમેરિકન ટેન્કો, જહાજો, ટ્રકો, વિમાનો અને સેવા સભ્યો હતા, જેમણે આ અઠવાડિયે 80 વર્ષ પહેલાં દુશ્મનોને હરાવ્યા હતા. તેથી આપણે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ જેમણે આપણને વિજય અપાવ્યો હતો.આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ‘બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાએ વિશ્વનું પુન:નિર્માણ કર્યું અને યુદ્ધ દરમિયાન તબાહ થઈ ચૂકેલા અનેક દેશોની મદદ કરી. અમે બીજું પણ મોટું કાર્ય કર્યું છે જેના વિશે લોકો વાત નથી કરતા. અમે યુદ્ધ દરમિયાન તબાહ થઈ ગયેલા તમામ દેશોને ફરીથી બનાવવામાં મદદ કરી અને આ એવું કંઈક છે જે બીજાઓએ નથી કર્યું. તેથી અમે લાખો અમેરિકનોના અવિશ્વસનીય બલિદાન અને બહાદુરીનું સન્માન કરી રહ્યા છીએ.’ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હું માત્ર બધાને વિજય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે હવે દર વર્ષે તેની ઉજવણી કરીશું. હું ચાર વર્ષની ગેરંટી આપી શકું છું.’