Washington, તા.25
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આગામી વર્ષે એપ્રિલ માસમાં ચીનની મુલાકાત લેશે. જ્યારે 2026ના અંતે ચીનના રાષ્ટ્રપતિ શી-જીનપીંગ અમેરિકાની મુલાકાતે છે. બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે ગઈકાલે લાંબી ટેલિફોન વાતચીત બાદ તેમના પ્રવાસના સંભવિત કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, જીનપીંગ સાથે મારી ફોન વાતચીત ખુબ સારા વાતાવરણ વચ્ચે થઈ.
ખાસ કરીને બન્ને નેતાઓએ યુક્રેન યુધ્ધ ઉપરાંત અમેરિકામાં થતી ફેટેનાઈલ (માદક દવા)ની દાણચોરી અને અમેરિકાના કૃષિ ઉત્પાદનની ખરીદીની ચર્ચા થઈ હતી જેમાં ટ્રમ્પના જણાવ્યા મુજબ ખુબજ સારો સોદો થયો છે.
ખાસ કરીને ચીન અમેરિકાની સોયાબિન ખરીદી ફરી ચાલુ કરશે. ટ્રમ્પે જણાવ્યું કે, એપ્રિલ માસમાં હું ચીનની મુલાકાતે જવા આતુર છું અને ચીનના રાષ્ટ્રપતિ પણ આગામી વર્ષના અંતે અમેરિકા આવી શકે છે. બીજી તરફ અન્ય એક અહેવાલ મુજબ ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની વાતચીત ચાલી રહી છે અને તેઓ ભારતની મુલાકાતે આવવા આતુર છે પરંતુ કોઈ સમય મર્યાદા આપી ન હતી. બીજી તરફ બન્ને દેશના રાષ્ટ્ર વડાઓ વચ્ચે તાઈવાન મુદ્દે પણ વાતચીત થઈ હતી.

