Uttar Pradesh , તા.૩૦
ઉત્તર પ્રદેશના હાપુરમાં આવેલી મોનાડ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૮ થી બનાવટી ડિગ્રી બનાવવા-વેચવાનો ધંધો ચાલતો હોવાની માહિતી તપાસ ટુકડીને મળી છે. જેથી રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (જી્હ્લ) એ યુનિવર્સિટીના ચેરમેન અને પ્રો-વાઈસ ચાન્સેલરની વિવિધ યુનિવર્સિટી અભ્યાસક્રમોની ડિગ્રી અને માર્કશીટ બનાવટી બનાવવા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપસર ધરપકડ કર્યા બાદ હાપુડ જિલ્લા વહીવટીતંત્રે યુપી સરકારને મોનાડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા જણાવ્યું છે. આ માટે પોલીસની સાથે જ એસટીએફની બે ટીમોને પણ જોડવામાં આવી છે.
આ બાજુ, એસટીએફની કાર્યવાહીની માહિતી મળતા જ મોનાડના પૂર્વ-માલિક તથા જવાબદાર પદો પર રહેલા કર્મચારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. એમને કાર્યવાહીની જાળમાં ફસાવાનો ડર સતાવી રહ્યો છે. મોનાડ યુનિવર્સિટીના નકલીકાંડનો મામલો હવે વધતો જ જઈ રહ્યો છે. અહીં એક બાજુ જ્યાં એક લાખથી વધુ નકલી ડિગ્રી-માર્કશીટ છાપવાનો મામલો પ્રત્યક્ષ થઈ ચૂક્યો છે, ત્યાં નવ રાજ્યોમાં ડિગ્રી વેચાઈ રહી હોવાની માહિતી પોલીસ-એસટીએફને મળી ચૂકી છે. આ મામલે યુનિવર્સિટીના માલિક પિતા-પુત્ર સહિત ૧૧ જણને જેલમાં મોકલી દેવાયા છે. એસટીએફની તપાસમાં જણાયું કે આ નકલી ડિગ્રી બનાવવાનો ખેલ ૨૦૧૮થી ચાલી રહ્યો હતો. મોનાડ યુનિવર્સિટીના વર્તમાન માલિક વિજેન્દ્ર હુડ્ડાએ એને ૨૦૨૨ માં ખરીદી છે. એસટીએફ અને પોલીસ તપાસમાં જણાયા અનુસાર આ નકલીકાંડમાં મોનાડના પૂર્વ-માલિક તથા કર્મચારી પણ સંડોવાયેલા રહ્યા હતા. એમાંના ડઝનબંધી લોકો હાપુરમાં જ વસે છે. એસટીએફે આ લોકોની કુંડળી તપાસનો આરંભ કરી દીધો છે. પોલીસ અને એસટીએફની બે ટીમ એમની ગુપ્ત તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં એમની સંડોવણી જણાઈ છે. તેઓ અગાઉ પણ કેટલાક સો કરોડના સ્કોલરશિપ ગોટાળામાં ફસાઈ ચૂક્યા છે. મોનાડમાં નકલી ડિગ્રીનો એવો ખુલ્લો ખેલ ચાલ્યો, જાણે એ કરિયાણાની દુકાન હોય !
શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ અગાઉ મેરઠમાંથી એલએલબી કરી ચૂક્યા છે. ગયા વર્ષે એમને માસ્ટર ડિગ્રી (એલએલએમ) કરવી જરૂરી લાગતા તેઓ મોનાડ પહોંચી ગયા. એમને જણાવાયું કે તમારે એક લાખ રૂપિયા આપવાના છે. તમને બે દિવસમાં એલએલએમની ડિગ્રી મળી જશે. ક્યાંક ચેક કરાવી લેશો, કોઈ પકડી શકશે નહિ.