RAJKOT,તા.18
રાજકોટ સહિત રાજયભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દિપાવલી વેકેશન પૂર્ણ થતા આજથી શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ ધમધમતી બની છે.
દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ પ્રાથમિક-માધ્યમિક શાળાઓ ફરી બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી છે. વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગી ગયા છે.
જોકે કેટલીક ખાનગી શાળાઓએ વેકેશન ટુંકાવી શૈક્ષણિક વર્ગો શરૂ કરી દીધા હતા. રાજયની 50 હજારથી વધુ સરકારી-ખાનગી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગત તા.28 ઓકટોબરથી દિપાવલી વેકાશન પડયું હતું.
જે પૂર્ણ થતા જ આજથી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ વિધીવત રીતે પ્રારંભ થયો છે. જયારે યુનિ ભવનો અને કોલેજોમાં ગત તા.27 ઓકટોબરથી દિપાવલીની રજાઓ પડી હતી. જે પણ તા.16 નવેમ્બરના પૂર્ણ થયેલ છે. જેના પગલે યુનિ.ભવનો અને કોલેજો પણ આજથી ધમધમી ઉઠયા છે.
શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ બીજુ શૈક્ષણિક સત્ર તા.18 નવેમ્બરથી તા.4 મે-2025 સુધીનું રહેશે. શાળાઓ શરૂ થતા જ સ્કૂલ રિક્ષા-બસોની ઘરેરાટી ફરી થયેલ છે અને વાલીઓ નાના ભૂલકાઓને શાળાઓ પર લેવા-મૂકવાની જવાબદારીમાં ગુંથાય ગયા છે.