Vadodara
ફ્લેટ રીનોવેશનનાં કામ માટે રોકવામાં આવેલ કોન્ટ્રાક્ટર સાથે કરેલ લેખિત કોન્ટ્રાક્ટની શરતોનું પાલન ન કરતાં વકીલ પરિવારે સિક્યોરિટી પેટે આપેલ રૂપિયા 12,50,000/- નો ચેક બેંકમાં ભરી દેતા ચેક અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો અને તે મુજબની નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, ની કલમ 138 મુજબની ફરિયાદ વડોદરાની કોર્ટમાં દાખલ થઈ હતી. મે 21 માં એડી. સિની. સિવીલ જજ અને એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટમાં ઉપરોક્ત ફરિયાદ 04-10-2024 ના રોજ દાખલ થઈ હતી અને ફક્ત 6 મહિનાને 22 દિવસમાં જજ એ.એચ.દવેએ ફરિયાદની સુનાવણી પુરી કરીને આ ફરિયાદના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આરોપી પક્ષની દલીલ કે આ કામના આરોપીએ ફરીયાદીના મકાનનું કરાર મુજબનું કામ તા.20/06/2024 નાં રોજ પુર્ણ કરેલ ન હોય અને તેથી વાદગ્રસ્ત ચેક આ કામના ફરીયાદી જમા કરાવવાના હોય તે બાબતે ફરીયાદીએ આરોપીને કોઇ નોટીસ આપેલ હોય કે જાણ કરેલ હોય તે બાબતના આ કામે ફરીયાદી તરફે કોઇ પુરાવા રજુ રાખવામાં આવેલા નથી. તેમજ કરાર મુજબના કામ પેટે રૂપિયા 2,00,000/- આપવાના બાકી હોવાની હકિકત પણ ફરીયાદીએ ઉલટતપાસમાં કબુલ રાખેલ છે. આમ, ઉપરોકત હકીકતો ધ્યાને લેતાં, ફરીયાદપક્ષ એ હકિકત પુરવાર કરવામાં નિષ્ફળ રહેલ છે કે, આ કામના પક્ષકારો વચ્ચે થયેલ કરારનો આરોપીએ ભંગ કરેલો છે. આ કામે ફરીયાદ પક્ષના કેસની હકિકતોનું આરોપીપક્ષ ચોકકસપણે ફરીયાદીની ઉલટતપાસ દરમ્યાન ખંડન કરવામાં સફળ રહેલ છે અને તે સંજોગોમાં ઉપરોકત કરેલ ચર્ચા તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લેતાં આરોપી વિરૂધ્ધ મુકવામાં આવેલ તહોમત સાબીત કરવામાં ફરીયાદપક્ષ નિષ્ફળ રહેલ છે. આમ કોર્ટે આરોપી પક્ષની દલીલને માન્ય રાખીને સમન્યાયનાં સિદ્ધાંતને આધારે આ કામના આરોપીને નિર્દોષ ઠરાવેલ છે.
આ સમગ્ર ફરિયાદની હકીકત એવી છે કે, આ કામના આરોપી ચંદન વિશ્વકર્મા મકાન રિનિવેશનનું કામ કરે છે જયારે ફરિયાદી પરિવાર વકીલ, ડોકટર, એન્જીન્યરીંગનાં વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર છે. પરિવાર તરફે હિમેશ આર.યાજ્ઞીક પરિવારનાં મુખ્યા હોય ફરિયાદી બનેલ હતાં. ફરિયાદી તરફે વકીલ એમ.વી.દેસાઈએ દલીલો કરી હતી અને આરોપી તરફે વકીલ એ.જે.દાદાવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી.