Washington,તા.8
નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ દરમિયાન અમેરિકાએ વેનેઝુએલાનો વધુ એક કડક આદેશ આપ્યો છે. જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, વેનેઝુએલાએ ચીન, રશિયા, ઈરાન અને ક્યુબા એમ ચાર દેશ સાથે તેના સંબંધ તોડવા પડશે. આ દેશોમાં રશિયા ભારતનો નજીકનો મિત્ર દેશ છે. આ ઘટનાક્રમની અસર ભારત સહિત અનેક દેશોની રણનીતિ પર અસર પડી શકે છે.
ટ્રમ્પે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સને વેનેઝુએલા તેલ ઉત્પાદનમાં માત્ર અમેરિકા સાથે વિશેષ ભાગીદારી કરે તેવો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત હેવી ક્રૂડ ઓયલના વેચાણમાં અમેરિકાના પ્રાથમિકતા આપે તેમ જ ચીન, રશિયા, ઈરાન, ક્યુબા સાથે આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો મર્યાદિત અથવા ખતમ કરવામાં આવે. એક રિપોર્ટ મુજબ અમેરિકાએ આ દેશોને વેનેઝુએલાની ઊર્જા અને સુરક્ષા સંરચનાથી સંપૂર્ણ રીતે બહાર કરવાની શરત પણ રાખી છે.
અહેવાલમાં અજાણ્યા અમેરિકન સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, વેનેઝુએલા જ્યારે અમેરિકાની તમામ શરતોનો સ્વીકાર કરશે ત્યારે જ તેને વધારે ઓઈલ ઉત્પાદનની મંજૂરી આપવામાં આવશે. વર્તમાન ઘટનાક્રમને જોતા અમેરિકા વેનેઝુએલાની કંગાળ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું કોશિશ કરી રહ્યું હોવાનું લાગે છે.
વેનેઝુએલાને લાંબા સમયથી ચીન તરફથી રોકાણ અને ટેકનોલોજી, રશિયા તરફથી સૈન્ય અને સુરક્ષા સહયોગ તથા ઈરાન અને ક્યુબા તરફથી વૈચારિક અને વ્યૂહાત્મક સમર્થન મળતું રહ્યું છે.
હ્યુગો ચાવેઝ અને માદુરોના શાસનકાળ દરમિયાન આ પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આ સંબંધોને અચાનક તોડવા તે વેનેઝુએલાની વિદેશ નીતિમાં એક ઐતિહાસિક `યુ-ટર્ન’ હશે. જેની અસર લેટિન અમેરિકાથી લઈને એશિયા સુધી જોવા મળી શકે છે.

