ગીર સોમનાથ એસઓજી પીઆઈ અરવિંદસિંહ જાડેજાની ટીમે વર્ષ 2023માં તાલાળા-સાસણ રોડ રિક્ષામાંથી 1800 ગ્રામ ગાંજા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા’તા
Gir Somnath,તા.19
ગીર સોમનાથ એસઓજી પીઆઈ અરવિંદસિંહ જાડેજાની ટીમે વર્ષ 2023માં તાલાલા-સાસણ રોડ પરથી રીક્ષામાંથી 1800 ગ્રામ ગાંજા સાથે બે શખ્સોંની ધરપકડ કરી હતી. જે મામલાનો કેસ ચાલી જતાં વેરાવળ એનડીપીએસ કોર્ટે બેલડીને પાંચ વર્ષની કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેમની ટીમે 7 જૂન 2023ના રોજ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તાલાળા-સાસણ રોડ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપ પાસેથી પ્યાગો રિક્ષામાંથી આરોપીઓની ધરપકડ કરી હતી.આરોપીઓમાં જૂનાગઢના સલીમ ઉર્ફે મેરુ કાસમ દલ અને તાલાલાના સત્તાર મહમદ દોમાનનો સમાવેશ થાય છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં દલીલ કરી હતી કે માદક પદાર્થોના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વળી, આ વેપારથી મળતા નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થાય છે. જજ જે.જે. પંડ્યાએ સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને આધારે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. બાદમાં એનડીપીએસ કોર્ટએ બંને દોષિતોને પાંચ વર્ષની કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.