Mumbai,તા.07
અભિનય સાથે ગાયકીમાં પોતાની ઓળખ ઊભી કરનાર ગત સદીની સાતમા અને આઠમા દાયકાના દિગ્ગજ અભિનેત્રી સુલક્ષણા પંડિતનું ગુરુવારે નિધન થઈ ગયું. તે 71 વર્ષના હતા. તેમના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટી કરતાં કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટને કારણે સુલક્ષણાનું નિધન થયું.
એક્ટ્રેસના ભાઈ અને સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, ‘તેમને કાર્ડિક અરેસ્ટ આવ્યો હતો. 12 જુલાઈ, 1954ના દિવસે જન્મેલી સુલક્ષણા સંગીત-પરિવારમાંથી આવે છે.
મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ તેમના કાકા હતા. તેમણે ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ છે, જેમાંથી જતીન અને લલિત પ્રખ્યાત સંગીતકાર બન્યા. સુલક્ષણાએ નવ વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે ચલતે-ચલતે, ઉલઝાન અને અપનાપન સહિતની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા હતા.1975 માં, તેમણે ફિલ્મ “સંકલ્પ” ના ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમણે ઉલઝાન, સંકલ્પ, રાજા, હેરા ફેરી, સંકોચ, અપનાપન, ખાનદાન અને વક્ત સહિતની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેનું પહેલું ગીત “તકદીર” (1967) માં લતા મંગેશકર સાથેનું “સાત સમુંદર પાર સે…” હતું.

