Mumbai,તા.07
બોલિવૂડના પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફના ફેન્સ માટે એક મોટી ખુશખબર આવી છે. લગ્નના લાંબા સમય બાદ પ્રેગ્નન્સીની જાહેરાત કરનાર આ જોડીના ઘરે નાના રાજકુમાર (દીકરા)નું આગમન થયું છે. વિકી કૌશલે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે અને પોતાને ‘બ્લેસ્ડ’ અનુભવતા હોવાનું જણાવ્યું છે.
વિકી કૌશલે ચાહકોને આ ખુશખબર આપતા લખ્યું કે, “અમારી ખુશીનું રમકડું આ દુનિયામાં આવી ગયું છે. અમે બંને ખુશીથી હરખાઈ ગયા છીએ, કારણ કે તે અમારી ખુશી છે અને ભગવાનનો આભાર માનીએ છીએ કે તેમણે અમને જીવનમાં પુત્ર આપ્યો છે. 7 નવેમ્બર 2025, કેટરિના અને વિકી.”
આ સમાચાર મળતાની સાથે જ માત્ર ફેન્સ જ નહીં, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ કપલને શુભેચ્છાઓ આપી રહ્યા છે. મનીષ પૉલે લખ્યું છે કે, “સમગ્ર પરિવાર અને ખાસ કરીને તમને બંનેને બાળક આવ્યા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” રકુલ પ્રીત સિંહે પણ ખુશી વ્યક્ત કરી છે, જ્યારે અર્જુન કપૂર અને હુમા કુરેશીએ રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વરસાવ્યો છે.
વિકી અને કેટરિનાના બેબીની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ હવે બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે, હવે ફેન્સ આશા રાખી રહ્યા છે કે કપલ જલ્દી બાળકનો ચહેરો જાહેર કરે. પરંતુ હાલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે સ્ટાર્સ તરત જ પોતાના બાળકનો ચહેરો સોશિયલ મીડિયા પર શેર કરતા નથી અને બાળક થોડું મોટું થાય પછી જ તેને જાહેર કરે છે.

