Mumbai,તા.29
વિજય હઝારે ટ્રોફી 2025-26માં દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં મેદાન પર રમતની સાથે ખેલદિલીના પણ અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારતીય બેટર વિરાટ કોહલીએ પોતાની વિકેટ લેનાર ગુજરાતના યુવા લેફ્ટ આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલને મેચ બાદ એક એવી ભેટ આપી જે તેના માટે આજીવન સંભારણું બની રહેશે.
વિશાલે મેચમાં ખૂબ જ શાનદાર બોલિંગ કરી હતી. પોતાની 10 ઓવરમાં, તેણે વિરાટ કોહલીની મહત્વપૂર્ણ વિકેટ જ નહીં, પણ ત્રણ વધુ વિકેટો પણ લીધી અને દિલ્હીની ઇનિંગ્સને 254/9થી આગળ રોકી દીધી. તેણે 42 રનમાં કુલ ચાર વિકેટ લીધી. જોકે, ગુજરાત આ રોમાંચક મેચ 7 રનથી હારી ગયું. દિલ્હીના લક્ષ્યનો પીછો કરતા, ગુજરાતનો ઇનિંગ્સ 247 રનમાં સમેટાઈ ગયો.
મેચ ભલે દિલ્હી 7 રનથી જીતી ગયું હોય, પરંતુ વિરાટ કોહલીએ વિશાલની બોલિંગથી પ્રભાવિત થઈને ઉદારતા દર્શાવી હતી. મેચ પૂર્ણ થયા બાદ કોહલી વિશાલને મળ્યા હતા અને જે બોલથી તેઓ આઉટ થયા હતા, તે મેચ બોલ પર ઓટોગ્રાફ આપીને વિશાલને ભેટ તરીકે આપ્યો હતો. આ ઉપરાંત, કોહલીએ આ યુવા ખેલાડી સાથે ફોટો પણ પડાવ્યો હતો.મેચમાં વિરાટ કોહલી આક્રમક મૂડમાં જણાતા હતા. તેમણે માત્ર 29 બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને 61 બોલમાં 13 ચોગ્ગા,1 છગ્ગાની મદદથી 77 રન પર રમી રહ્યા હતા. ત્યારે વિશાલ જયસ્વાલે પોતાની સ્પિનના જાદુમાં કોહલીને ફસાવ્યા હતા. ક્રીઝની બહાર નીકળી શોટ રમવા ગયેલા કોહલીને વિકેટકીપર ઉર્વીલ પટેલના હાથે સ્ટમ્પ આઉટ કરાવી વિશાલે પોતાની કારકિર્દીની સૌથી મોટી વિકેટ ઝડપી હતી.

