Gandhinagar,તા.૨૦
દૂધસાગર ડેરીની ચર્ચામાં આવેલી ચૂંટણી સાતમી ડિસેમ્બરે યોજાવાની છે, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મોટું રાજકીય અને કાયદાકીય વળાંક એ રહ્યો છે કે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હવે આ ચૂંટણી લડી શકશે નહીં. સહકારી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિને બે વર્ષથી વધુની સજા થઇ હોય તો તે સહકારી સંસ્થાની કોઇપણ ચૂંટણીમાં ઉમેદવારી નહીં આપી શકે. ચૌધરીને સાગર-દાણ કૌભાંડ કેસમાં આવી સજા પડેલી હોવાથી જ તેમનો માર્ગ બંધ થયો છે.
મહેસાણા સેશન્સ કોર્ટમાં પહેલાં તેમણે પોતાની સજા ઉપર સ્ટે મેળવવા અરજી કરી હતી, પરંતુ તે અરજી ફગાવી દેતાં કાનૂની લડત આગળ વધારવા તેમણે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. હાઇકોર્ટએ પણ તાત્કાલિક રાહત આપવાને બદલે આગામી ૩ ડિસેમ્બરે સુનાવણી રાખી છે. આ તારીખ જ આખી ચૂંટણી પ્રક્રિયામાં નિર્ણાયક બની છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૪ નવેમ્બર છે અને જિલ્લા સરકારી વકીલ વિજય બારોટે સ્પષ્ટ કર્યું છે કે હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં જવાની મંજૂરી મળતી નથી. એટલે હાલના કાયદાકીય માહોલમાં ચૌધરી પાસે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
ચૂંટણીનું સમયપત્રક તેમના માટે વધુ મુશ્કેલી ઉભી કરે છે. તેઓ જો હાઇકોર્ટના નિર્ણય પહેલા ઉમેદવારી પત્ર ભરે તો પણ તે કાયદેસરની ખાતરી વગર રહેશે અને પછીથી રદ થવાના પુરેપુરા ચાન્સ છે. કારણ કે યોગ્ય સ્ટે ઓર્ડર વિના સહકારી કાયદાની જોગવાઈઓ અનુસાર ઉમેદવારી માન્ય નથી ગણાતી. આ સ્થિતિમાં ૩ ડિસેમ્બર સુધીની રાહચક્કર તેમની રાજકીય અને સંગઠનાત્મક સક્રિયતા પર સીધી અસર કરશે.
દૂધસાગર ડેરીમાં ચૌધરીનું પ્રભાવશાળી સ્થાન વર્ષોથી ચર્ચામાં રહ્યું છે. તેમના સમર્થકો આ ચૂંટણીને ‘પ્રતિષ્ઠાનો મુદ્દો’ ગણાવી રહ્યા હતા, જ્યારે વિરોધી જૂથો પહેલેથી જ દલીલ કરી રહ્યા હતા કે કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચૌધરીને રેસમાંથી બહાર થવું જ પડશે. હવે સરકારની સામે આવેલા કાયદાકીય અભિપ્રાયો અને કોર્ટના પ્રવર્તમાન નિણર્નયો પછી આ બાબત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
ડેરીની આગામી ચૂંટણીમાં કયા જૂથને ફાયદો મળશે અને ચૌધરીની ગેરહાજરીથી રાજકીય સંતુલન કેવું બદલાશે તે અંગે હવે વિવિધ વર્તુળોમાં ચર્ચા ચાલવા માંડી છે. તેમ છતાં, કાનૂનના ચોખ્ખા નિયમો અને કોર્ટની સમયસીમા વચ્ચે, આ તબક્કે સ્પષ્ટ છે કે વિપુલ ચૌધરી ચૂંટણી મેદાનમાં નહીં ઉતરી શકે.
ચૂંટણી પ્રક્રિયા આગળ વધતા હવે મુખ્ય ફોકસ ચૌધરીના જૂથની આગામી ચાલ પર રહેશે—કે તેઓ નવા ચહેરાને ઉમેદવાર તરીકે મૂકશે કે નહીં.

