Mumbai,તા.૧૭
વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીમાં એવું સ્થાન મેળવ્યું છે, જે અત્યાર સુધી કોઈ ખેલાડી પ્રાપ્ત કરી શક્યો નથી. કોહલીએ ૨૦૨૪ માં ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ મે ૨૦૨૫ માં તેણે ટેસ્ટ ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લીધી હતી.આઇસીસી દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં, કોહલીના ટી ૨૦ રેટિંગ પોઈન્ટ ૮૯૭ થી બદલીને ૯૦૯ કરવામાં આવ્યા હતા, આ સાથે કોહલીના નામે એક એવો રેકોર્ડ નોંધાયો હતો જે વિશ્વ ક્રિકેટમાં કોઈ ખેલાડી કરી શક્યો ન હતો.
વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં ૯૦૦ થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર વિશ્વ ક્રિકેટનો પ્રથમ ખેલાડી બન્યો છે. વિશ્વનો કોઈ અન્ય ખેલાડી અત્યાર સુધી આ કરી શક્યો નથી. કોહલીએ આઇસીસી રેન્કિંગમાં તેની ટેસ્ટ કારકિર્દીમાં મહત્તમ ૯૧૧ રેટિંગ પોઈન્ટ અને વનડે માં ૯૩૭ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. તે જ સમયે, વિરાટ કોહલી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૯૦૦ થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર બીજો ભારતીય અને વિશ્વ ક્રિકેટનો માત્ર પાંચમો ખેલાડી છે. કોહલી પહેલા સૂર્યકુમાર યાદવે ભારત તરફથી ટી ૨૦ માં ૯૦૦ થી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા.
ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૯૦૦ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનારા ખેલાડીઓ
ડેવિડ માલન (ઇંગ્લેન્ડ) – ૯૧૯ રેટિંગ પોઈન્ટ
સૂર્યકુમાર યાદવ (ભારત) – ૯૧૨ રેટિંગ પોઈન્ટ
વિરાટ કોહલી (ભારત) – ૯૦૯ રેટિંગ પોઈન્ટ
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) – ૯૦૪ રેટિંગ પોઈન્ટ
બાબર આઝમ (પાકિસ્તાન) – ૯૦૦ રેટિંગ પોઈન્ટ
વિરાટ કોહલી ક્યારે એક્શનમાં જોવા મળશે
ટેસ્ટ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વિરાટ કોહલી ક્યારે મેદાન પર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમતા જોવા મળશે. ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણી રદ થયા પછી, હવે એવી અપેક્ષા રાખી શકાય છે કે કોહલી ઓક્ટોબર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમાનારી વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે.