Tehran, તા.31
લગભગ એક માસ સુધી યુધ્ધ વિરામની સ્થિતિ રહ્યા બાદ ગઈકાલે અમેરિકાએ હોર્મુજ જળ માર્ગના લારક ટાપુઓ પર મોટો હુમલો કરતા તેના જવાબમાં ઈરાને જોર્ડનમાં આવેલ અમેરિકી સૈન્ય મથકો પર મીસાઈલ અને ડ્રોનથી હુમલો કરતા યુધ્ધ ફરી ભડકી ઉઠે તેવા સંકેત છે.
અગાઉ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર આર્થીક પ્રતિબંધોથી તેને ગુંગળાવી દઈને શરણે લાવવાની જાહેરાત કરી હતી પરંતુ આ પ્રતિબંધો કેટલા અસરકારક નિવડશે તે પણ પ્રશ્ન છે બીજી તરફ હોર્મુજ જળ માર્ગ જે દુનિયાના ક્રુડ સહિતના વ્યાપારમાં 20 ટકા હિસ્સો ધરાવે છે તે હજુ બંધ છે.
તે અમેરીકા ખોલાવી શકયું નથી તે વચ્ચે અમેરીકી સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે હોર્મુજ જલમાર્ગમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા જાળવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈરાનનું ઈસ્લામીક રીવોલ્યુશનરી ગાર્ડ લારક ટાપુ પર રોકેટ સહિતની સીસ્ટમ તૈયાર કરી રહ્યા હતા જે દરીયાઈ માઈન્સ જે બીછાવી છે તેને હીટ કરીને જહાજો માટે અસુરક્ષા સર્જી શકે તેમ હતા અને તેથી અહીં નિશાન બનાવાયું છે.
બીજી તરફ અમેરીકાના હુમલાને થોડાક કલાકોમાં ઈરાને જોર્ડનમાં અમેરીકા સંચાલીત બે એરબેઝ પર ડ્રોન અને મીસાઈલથી હુમલા કર્યા હતા જેના કારણે અહીં બન્ને મથકોને ભારે નુકશાન થયું છે. જયારે અમેરીકાના હુમલામાં ઈરાનના સૈનિકો તથા નાગરીકોના મૃત્યુ થયા છે.
અમેરીકામાં હવે સંસદની મધ્યસત્ર ચૂંટણી નવેમ્બરમાં છે અને તે પૂર્વે ઈરાન મુદ્દે પ્રમુખ ટ્રમ્પ અને રીપબ્લીક પક્ષ માટે નિર્ણાયક બનવું જરૂરી છે. તેથી આ હુમલો થયો હોય તેવું માનવામાં આવે છે. અમેરીકા જો વધુ હુમલા કરતા તો ઈરાન પણ તેના જવાબ આપશે તે નિશ્ચિત છે. હોર્મુજમાં અમેરીકી નાકાબંધીથી ઈરાનની નિકાસને પણ મોટો ફટકો પડયો છે.

