Tehran તા.9
ખાડી દેશોમાં પાણીનું એક ટિપું પણ કીમતી હોય છે. મધ્ય-પુર્વમાં છેલ્લા આઠ દિવસથી ચાલુ જંગના કારણે દુનિયામાં તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે, પરંતુ ખાડી દેશોમાં પાણીનું સંકટ તેલના સંકટથી વધુ ઘાતક સાબીત થઈ શકે છે.
મધ્ય-પુર્વના રણના દેશો માટે સમુદ્રનું પાણી જ જીવનનો આધાર છે. અહીની 90 ટકાથી વધુ વસ્તી પીવાના પાણી માટે ડિસીલીનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. રવિવારે બહેરીને પોતાના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલાની સૂચના આપી છે, જેના બાદ વિશેષજ્ઞો પાણીના સંકટને નવો ખતરો માની રહ્યા છે.
જુબેલ દુનિયાનું સૌથી સંવેદનશીલ લક્ષ્ય
સાઉદી અરબનું જુબેલ ડીસેલિનેશન પ્લાન્ટ દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે રિયાધ જુબેલથી આવતી પાઈપ લાઈનો પર નિર્ભર છે. જો આ પાઈપલાઈનો કે પ્લાન્ટને નુકશાન થાય છે તો રિયાધ જેવા મહાનગરમાં 7 દિવસમાં પીવાનું પાણી ખતમ થઈ જશે અને શહેરને ખાલી કરવાની નોબત આવી શકે છે.
શું છે ડિસેલિનેશન પ્લાન્ટ
કુવૈત, ઓમાન, સાઉદી અરબ જેવા દેશો પીવાના પાણી માટે મોટા પ્રમાણમાં ડિસેલીનેશન પ્લાન્ટ પર નિર્ભર છે. તે સમુદ્ર પાણીમાંથી મીઠુ અલગ કરીને તેને પીવાલાયક બનાવે છે. જો આ પ્લાન્ટને નુકસાન થાય છે તો અનેક શહેરોમાં પાણીની અછત પેદા થશે.
પાણી મામલે ઈરાનમાં પણ ખરાબ હાલત
ઈરાન ડીસીલિનેશન પર વધુ નિર્ભર છે. ત્યાં પાણીનો મોટો ભાગ નદીઓ, ડેમો, ભૂજળથી આવે છે, પણ લાંબા સમય સુધી દુકાળના કારણ તહેરાનમાં જળાશયોનું સ્તર ઘટી ગયુ છે.
ઈનટેક સીસ્ટમ નવુ હથિયાર
પાણીના સંકટ માટે મિસાઈલ છોડવી જ એકમાત્ર ટેકનીક નથી, યુદ્ધમાં પર્યાવરણીય હુમલા પણ થઈ રહ્યા છે. જો યુદ્ધ દરમિયાન સમુદ્રમાં તેનું મોટુ લિકેજ થાય તો ડિસેલિનેશન પ્લાન્ટના ઈનટેક પાઈપ (જે સમુદ્રમાંથી પાણી ખેંચે છે) બંધ થઈ જશે. તેલ ભળેલું પાણી ફિલ્ટર કરવું પ્લાન્ટ માટે અસંભવ છે.
આ ઉપરાંત ઈરાન કે કોઈ અન્ય તાકાત પાવર ગ્રીડને નિશાન બનાવે છે તો પાણી સાફ કરવાની મશીન બંધ પડી જશે અને વીજળી વિના રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ કામ નથી કરી શકતી.

