Mumbai,તા.23
પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી વોશિંગ્ટન સુંદર માટે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ‘વોશિંગ્ટન સુંદરમાં વર્ષો સુધી ભારતના ઑલરાઉન્ડર તરીકે રમવાની ક્ષમતા છે કારણ કે, તે ઘરેલુ મેદાનો પર બોલિંગમાં સારું પ્રદર્શન કરવાની સાથે કુદરતી રીતે સારો બેટ્સમેન પણ છે.’ ઓસ્ટ્રેલિયા સામે 2021માં બ્રિસબેનમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર 25 વર્ષીય ઓફ સ્પિનર વોશિંગટનને ત્યારબાદ આ ફોર્મેટમાં વધુ તક ન મળી. તેણે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચમાં 545 રન બનાવ્યા છે અને 30 વિકેટ ઝડપી છે.
રવિ શાસ્ત્રી ‘ધ ICC રિવ્યૂ’માં કહ્યું કે, મને શરૂઆતથી વોશિંગ્ટનની રમત પસંદ છે. મેં તેને પહેલી વાર જોયો હતો ત્યારે મેં કહ્યું હતું કે, તે કમાલનો ખેલાડી છે અને તેનામાં વર્ષો સુધી ઑલરાઉન્ડર તરીકે રમવાની ક્ષમતા છે. શાસ્ત્રીનું માનવું છે કે, વોશિંગ્ટને ખાસ કરીને ભારતની ટર્નિંગ પિચ પર રેડ બોલથી વધુ મેચ રમવી જોઈતી હતી.
શાસ્ત્રીએ આગળ કહ્યું કે, ‘તે માત્ર 25 વર્ષનો છે. મને લાગે છે કે તેણે વધુ ટેસ્ટ ક્રિકેટ રમવી જોઈતી હતી. ભારતમા, જ્યાં બોલ ટર્ન લઈ રહ્યો હોય, ત્યાં તે ઘાતક સાબિત થઈ શકે છે, જેમ તેણે ન્યૂઝીલેન્ડ સામે પ્રદર્શન કર્યું હતું. તેણે કેટલાક સિનિયર સ્પિનરો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું અને તેની સાથે જ તે એક સારો બેટ્સમેન પણ છે.’
વોશિંગ્ટન સુંદરે ન્યૂઝીલેન્ડસામે 2024ની ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં 4 ઈનિંગમાં 16 વિકેટ ખેરવી હતી. શાસ્ત્રીએ તેની બેટિંગ ક્ષમતાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, ‘તેને બેટિંગ ઓર્ડરમાં ઉપર પણ મોકલી શકાય છે. તે નેચરલી પ્રતિભાશાળી બેટ્સમેન છે. તે બેટિંગ ઓર્ડરમાં 8માં નંબરનો બેટ્સમેન નથી. તે ટૂંક સમયમાં છઠ્ઠા નંબર પર બેટિંગ માટે આવી શકે છે.’શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ‘વોશિંગ્ટન પાસે ટેકનિક સારી છે જેના કારણે તે વિદેશી પરિસ્થિતિઓમાં પણ સફળ થઈ શકે છે. એકવાર જ્યારે તે આત્મવિશ્વાસ હાંસલ કરી લેશે તો મને લાગે છે કે તેની રમતમાં વધુ સુધારો થશે. તેણે વિદેશમાં પણ પોતાની લય જાળવી રાખી છે. તે એક ફિટ ખેલાડી છે અને તે લાંબા સ્પેલ પણ કરે છે અને જરૂર પડ્યે નિયંત્રણ પણ જાળવી શકે છે.’