New Delhi,તા.27
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે માંગ કરી હતી કે કોંગ્રેસે 50 વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટી માટે માફી માંગવી જોઈએ. આ સાથે જ દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે હોસબાલેએ બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ બે શબ્દો દૂર કરવાની હિમાયત કરી. આ શબ્દો કટોકટી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે ઉમેર્યા હતા.
વર્ષ 1975માં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરતાં હોસબાલેએ કહ્યું કે, ‘તે દરમિયાન હજારો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને ત્રાસ આપવામાં આવ્યો હતો. ન્યાયતંત્ર અને મીડિયાની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ હતી. કટોકટી દરમિયાન મોટા પાયે બળજબરીથી નસબંધી કરવામાં આવી હતી. તેમણે કટાક્ષ કર્યો કે જે લોકો તે સમયે આ બધું કરી રહ્યા હતા તેઓ આજે બંધારણની નકલ લઈને ફરે છે. તેમણે આજ સુધી માફી માંગી નથી, હવે તો માફી માંગો. તમારા પૂર્વજોએ આ કર્યું હતું, તમારે આ માટે દેશની માફી માંગવી જોઈએ.’
RSS મહાસિચવ હોસબાલેએ કહ્યું, ‘બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણના આમુખમાં આ શબ્દો ક્યારેય નહોતા. આ શબ્દો કટોકટી દરમિયાન ઉમેરવામાં આવ્યા હતા જ્યારે મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, સંસદ કાર્યરત ન હતી, ન્યાયતંત્ર લકવાગ્રસ્ત હતું.’
કોંગ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપતા RSS અને BJP પર બંધારણ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે તે ભાજપ-RSS ના ‘ષડયંત્ર’ને ક્યારેય સફળ થવા દેશે નહીં અને આવા કોઈપણ પગલાનો વિરોધ કરશે.
કોંગ્રેસે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, RSS અને BJP ની વિચારસરણી બંધારણ વિરોધી છે. હવે RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ બંધારણના આમુખમાં ફેરફારની માંગ કરી છે. હોસબાલે ઇચ્છે છે કે બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરવામાં આવે. આ બાબા સાહેબના બંધારણને નષ્ટ કરવાનું કાવતરું છે, જે RSS અને BJP લાંબા સમયથી ઘડી રહ્યા છે.
દત્તાત્રેય હોસબાલેના નિવેદન પછી, કોંગ્રેસે દાવો કર્યો હતો કે જ્યારે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે RSS એ તેનો વિરોધ કર્યો હતો અને તેની નકલો પણ સળગાવવામાં આવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન, ભાજપના નેતાઓ ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે બંધારણ બદલવા માટે સંસદમાં 400 થી વધુ બેઠકોની જરૂર છે. કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં તેમના આયોજનોને સફળ થવા દેશે નહીં.