New Delhi,તા.29
બિહારમાં મતદાર યાદીની ખાસ પુન: સમીક્ષા મુદે સુપ્રીમકોર્ટે ચુંટણીપંચને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો તમારી આ કામગીરીથી મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાંથી કમી થશે તો અમારે દરમ્યાનગીરી કરવી પડશે અને હવે તેની સુનાવણી 12-13 ઓગષ્ટના રોજ રાખવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે પ્રથમ વખત આ મુદે ચુંટણીપંચ સામે આ મુદે આકરુ વલણ લીધુ છે અને પંચને કહ્યુ હતું કે, તમે એક બંધારણીય સંસ્થા છો અને બંધારણ મુજબ જ ચાલવુ પડશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, તા.1 ઓગષ્ટ બાદ જે મતદાર યાદીમાંથી નામ કમી થયા હોય તેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવશે.
જો તેમાં મોટાપાયે નામ બાકાત થયા હશે તો સુપ્રીમકોર્ટને દરમ્યાનગીરી કરવી પડશે. સર્વોચ્ચ અદાલતે ફરી એક વખત ચુંટણીપંચને આધાર નંબરને મતદાર માટે માન્ય ગણવા અપીલ કરી હતી. જસ્ટીસ જોય માલ્યા એ પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે, ચુંટણીપંચ તા.1 ઓગષ્ટના રોજ તેની પ્રસ્તાવિત મતદાર યાદી તૈયાર કરશે અને તેમાં જેમ શંકા રખાય છે તે 65 લાખ લોકો સામેલ નહી હોય તો સુપ્રીમકોર્ટને દરમ્યાનગીરી કરવાની ફરજ પડશે.
અદાલતે જણાવ્યું હતું કે, ચુંટણીપંચે જેમના નામ મતદારયાદીમાંથી કમી થાય છે તેને યોગ્ય પુરાવા હોય તો તેમના નામ પંચે સામેલ કરવામાં મદદ કરવી જોઈએ.