Ahmedabad, તા.25
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે રાજકુમાર જાટ નામના યુવાનના રહસ્યમય મરણ અંગે સમગ્ર કેસ સીબીઆઈને તપાસ સોંપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રાજકુમાર ના પિતા રતનલાલની રીટની આજ રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં હાઈકોર્ટે સરકાર અને ગોંડલ પોલીસને નોટિસ આપી પોલીસને પ્રગતિ અહેવાલ રજૂ કરવા અને સીસીટીવી ફૂટેજ જાળવી રાખવા માટે આદેશ કર્યો હતો.
રાજકુમાર ના પિતા દ્વારા એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને આ કેસમાં ગોંડલના ધારાસભ્યના પરિવાર દ્વારા કથિત સામેલગીરી બાબતે તેઓને માત્ર ક્લીનચિટ આપવામાં આવે છે અને કેસના પોસ્ટમોટમ રિપોર્ટ સહિતના બાબતોનો તપાસ નહીં કરવામાં આવતા સમગ્ર બાબતની તપાસ સીબીઆઇ ને સોંપવી જોઈએ
પીડિત પરિવારજનોના દાવા મુજબ, જાટ યુવક ગોંડલમાં તેના ઘરેથી 3જી માર્ચથી લાપતા બન્યો હતો, જે તેના પરિવારજનોને તા.5મીએ ખબર પડી હતી. યુવક લાપતા બનતાં તેના પિતા દ્વારા હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી ફાઇલ કરવાની તજવીજ હાથ ધરતાં પોલીસ દ્વારા તરત જ તેઓને જણાવાયું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક લાશ પડી છે તે કદાચ આ યુવકની હોઇ શકે.
પરિવારજનોને લાશ આપતાં પહેલાં તો પીએમ પણ કરી દવાયું હતું. જો કે, યુવકના પરિજનો તરફથી ફરી માંગ કરાતાં બીજી વખત કરાયેલા પીએમ રિપોર્ટમાં મરનાર યુવકના શરીર પર 42 જેટલી ગંબીર ઇજાઓના નિશાન સામે આવ્યા હતા. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા ભીનુ સંકલેવાના અને અનેક વાતો પર ઢાંકપિછોડો કરવાના અનેક પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું છે.
જાટ તરફથી કરાયેલી રિટ અરજીમાં વધુમાં મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, આટલા સમયની તપાસ પછી પણ યુવકના મોતનું સ્પષ્ટ કે સાચુ કારણ સામે આવ્યું નથી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ બાદ યુવકનું અકસ્માતમાં મોત નીપજયુ હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે પરંતુ વાસ્તવમાં આ અકસ્માતે મોત નહી પરંતુ હત્યાનો સંગીન કેસ હોય એવું જણાઇ રહ્યું છે.
ખુદ પીએમ રિપોર્ટમાં યુવકના શરીર પર સંખ્યાબંધ અને ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું હતું. કોઇ બોથડ પદાર્થથી શરીરના વિવિધ ભાગો પર બહુ ગંભીર ઇજાઓના નિશાન જણાયા છે.
વધુમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે પણ સીસીટીવી ફુટેજ પોલીસે રજૂ કર્યા છે, તે સીલેકટીવ, સળંગ અને સાતત્યપૂર્ણ નથી. બીજું કે, પોલીસે મરનાર યુવકના કપડા કબ્જો કરવાથી લઇ સ્થળ પરના પંચનામા સહિતની કાર્યવાહી સાચી રીતે અને તટસ્થાપૂર્વક થઇ છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.
જયરાજસિંહના બંગલાના સીસીટીવી ફુટેજ પણ ત્રણથી ચાર મિનિટના છે પરંતુ યુવક અને તેના પિતા બંગલામાંથી બહાર કેવી રીતે નીકળ્યા તે કયાંય આવતું જ નથી. આ બધા વિવાદ અને હોબાળા વચ્ચે તા.12મીએ અચાનક એક લકઝરી બસ ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થઇ જાય છે કે, તેના દ્વારા સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નીપજયુ હતું.
આમ, સમગ્ર કેસમાં અનેક બાબતો રહસ્યમયી, વિરોધાભાસી, શંકા ઉપજાવનારી અને માન્યામાં ના આવે તેવી સામે આવી છે, જેથી હવે આ કેસમાં સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી સીબીઆઇને કેસની તપાસ ટ્રાન્સફર કરવી જોઇએ તેવી પણ પિતા તરફથી અરજીમાં માંગણી કરવામાં આવી છે.