સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થી પર હુમલો , થોરાળા પોલીસમાં ગુનો
Rajkot,તા.14
કેમ હૉર્ન વગાડે છે કહી ગંજીવાડા વિસ્તારમાં સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થીને છરીનો ઘા ઝીંકી દેવાયાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયારે બીજી બાજુ હુમલાખોર વિરુદ્ધ થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો. જંગલેશ્વર મેઈન રોડ પર હુશેની ચોક નજીક રહેતા અને સાઉન્દ સિસ્ટમનો વ્યવસાય કરતા ઉમરભાઇ ઉર્ફે ડાડો હનીફભાઇ કંડીયા (ઉ.વ.૨૩)એ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગંજીવાડાના મહેશ ઉર્ફે દાઉદ મુળજીભાઈ મકવાણાનું નામ આપતાં જણાવ્યું હતું કે, બાર વાગ્યે હું તથા મારો મિત્ર અભીભાઈ વ્યાસ સાથે છોટા હાથીમાં સાઉન્ડ સીસ્ટમનો સામાન ભરી ગંજીવાડા ખાતે સીસ્ટમ મુકવા જતા હતા. ત્યારે ગંજીવાડા મેઇન રોડ ભૈયાની વાડી પાસે પહોંચતા ત્યા રામા મંડળ ચાલુ હતું. જેથી હું છોટાહાથી ધીમેથી ચલાવીને જતો હતો ત્યારે રોડ ઉપર ટ્રાફિક હોય જેથી મે હોર્ન મારતા ત્યાં મહેશ ઉર્ફે દાઉદ મુળજીભાઇ મકવાણા મારી પાસે આવી કેમ હોર્ન મારે છે કહી મારો કાઠલો પકડી મને છોટા હાથીમાથી નિચે ઉતારી જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. મે મારવાની ના પાડતા મહેશ એકદમ ઉશ્કેરાઈ ગયેલ હતો અને પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઘા માથામાં ડાબી બાજુ કાનની ઉપરના ભાગે મારી દીધેલ હતો. જેના લીધે લોહી નીકળવા લાગતા લોકો એકત્રિત થઇ ગયા હતા. બાદમાં મહેશ નાસી ગયો હતો.
બાદમાં ગંજીવાડામાં રહેતા મારા બનેવી આદિલભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બયુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકે હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે મહેશ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.