Mumbai,તા.28
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. હવે બંને દેશો વચ્ચે સીરિઝની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. જોકે, ઓવલ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રિષભ પંત ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયો છે. હવે રિષભ પંતના સ્થાન પર વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશનને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
29 વર્ષીય જગદીશનને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે, જગદીશન તમિલનાડુ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. જગદીશને અત્યાર સુધીમાં 52 ફર્સ્ટ ક્લાસ મેચમાં 47.50ની એવરેજથી 3,373 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 14 અડધી સદી સામેલ છે. બીજી તરફ 64 લિસ્ટ-A મેચોમાં જગદીશનના નામે 46.23ની એવરેજથી 2,728 રન છે. લિસ્ટ-A ક્રિકેટમાં જગદીશને 9 સદી અને 9 અડધી સદી ફટકારી છે. જગદીશને 66 T20 મેચ પણ રમી છે, જેમા તેણે 10 અડધી સદીની મદદથી 1475 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં જગદીશનની એવરેજ 31.38 રહી છે.કોઈમ્બતુરમાં જન્મેલા જગદીશને વિજય હજારે ટ્રોફી 2022માં સતત પાંચ ઈનિંગમાં સદી ફટકારી હતી. લિસ્ટ-A ક્રિકેટમાં આવું કરનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે. નારાયણ જગદીશન IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેચ રમી ચૂક્યો છે. જગદીશને 13 IPL મેચમાં 18ની એવરેજથી 162 રન બનાવ્યા છે.