Rajkot, તા. 7
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારનાં ભાગે સરેરાશ ર0 થી રપ કિ.મી.ની ઝડપે ઠંડા પવનનાં સુસવાટા ફુંકાતા જનજીવન પ્રભાવિત રહ્યું હતું. ખાસ કરીને ગિરનાર ઉપર આજે પણ 60 થી 6પ કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાતા રોપ-વે સતત ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો.
જુનાગઢથી મળતા અહેવાલ મુજબ ગિરનાર પર્વત ઉપર ભારે પવન સુસવાટા મારતો હોય જેના કારણે આજે ચોથા દિવસે પણ રોપ-વે બંધ રખાયો હતો. જેના કારણે બહાર દેશાવરમાંથી આવતા પ્રવાસીઓ નિરાશ થવા પામ્યા છે.
છેલ્લા ચાર દિવસથી ઠંડો સુસવાટા મારતો પવન ઇશાન દીશામાં ફુંકાઇ રહ્યો છે. ગિરનાર રોપ-વે મેનેજર બેદીના જણાવ્યા મુજબ સવારથી પવનની ગતિ 60 થી 6પ કિ.મી.ની ઝડપે ફુંકાતા સલામતીના ભાગરૂપે આજે ચોથા દિવસે સતત રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે.
દરમ્યાન ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે.સતત પવનના કારણે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી ઠંડીના કારણે લોકોએ ફરી ગરમ વસ્ત્રો ધારણ કર્યા છે.
આ વર્ષે ઋતુચક્રમાં સતત પરિવર્તન જોવા મળ્યું હતું, પરિણામે શિયાળાની સિઝન દરમિયાન ઠંડીના પ્રમાણમાં સતત વધઘટ જોવા મળી હતી. ભાવનગર માં છેલ્લા ચાર દિવસથી ઠંડો પવન ફુંકાતા વાતાવરણમાં ફરી ઠંડી જોવા મળી રહી છે. આજે પણ સરેરાશ 22 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા મહત્તમ તાપમાન ઘટીને 27.7 ડિગ્રી નોંધાયો હતું. આજે લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું, પરિણામે વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી હતી.
ઉપરાંત જામનગર શહેરમાં આજે સવારે 9.3 કિમિ ઝડપે સુસવાટા મારતા પવનથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા.જો કે લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી ઉચકાઈને 15 ડિગ્રી પહોંચ્યો હતો.તો મહતમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું અને શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 7 ટકાના ઘટાડા સાથે 43 ટકા રહ્યું હતું.
દરમ્યાન આજે સવારે નલિયાને બાદ કરતા મોટા ભાગનાં સ્થળોએ ઠંડીમાં આંશિક રાહત રહેવા પામી હતી. આજે સવારે નલિયા ખાતે 7.6 ડિગ્રી તથા રાજકોટમાં 13.3, પોરબંદરમાં 1પ.ર, વેરાવળમાં 18.9, ઓખામાં ર0.6, તેમજ અમદાવાદમાં 1પ, અમરેલીમાં 16.ર, વડોદરામાં 17.ર, ભાવનગરમાં 16.પ, ભુજમાં 13.7, ડિસામાં 11.8, દિવમાં 13.7, દ્વારકામાં 16.8, ગાંધીનગરમાં 14.ર, કંડલામાં 1પ.ર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.