New Delhi તા.18
મોબાઈલ ફોનના 15 આંકડાવાળા ઈન્ટરનેશનલ મોબાઈલ ઈકિવપમેન્ટ આઈડેન્ટીટી એટલે કે આઈએમઈઆઈ નંબર સહિત અન્ય દુરસંચાર ઓળખ સાથે ચેડાને હવે ગંભીર અપરાધ માનવામાં આવશે. આ જાણકારી દુરસંચાર વિભાગે સોમવારે આપી હતી.
દૂરસંચાર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આવા કેસમાં ત્રણ વર્ષ સુધીની કે 50 લાખ રૂપિયા સુધીનો દંડ કે પછી બન્નેની જોગવાઈ છે. આ સખ્ત કાર્યવાહી ટેલિ કોમ્યુનીકેશન્સ એકટ 2023 અને ટેલિકોમ સાઈબર સિકયોરિટી રૂલ્સ, 2024 અંતર્ગત કરવામાં આવશે. વિભાગે આ ચેતવણી બધા મોબાઈલ નિર્માતાઓ, બ્રાન્ડ માલિકો, આયાતકારો, વિક્રેતાઓ અને પુનઃવિક્રેતાઓને ઈસ્યુ કરી છે.
વિભાગે કહ્યું હતું કે, ચેડા માત્ર કાનૂની અપરાધ નથી બલકે આનાથી કાનૂન પ્રવર્તન એજન્સીઓ માટે અપરાધીઓને ટ્રેક કરવા અને સાઈબર સુરક્ષા જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
અધિનિયમની ધારા 42(7) અંતર્ગત આવા અપરાધ કોગ્નીઝેબલ અને બિન જામીનપાત્ર હોય છે, જયારે ધારા 42(6) એ લોકો માટે પણ સમાજ સજા નકકી કરે છે જે આવા અપરાધોને પ્રોત્સાહન આપે છે કે આવા કામમાં સહાયતા કરે છે.
વિભાગે જણાવ્યું હતું કે, આ નિયમ ટેલિકોમ સાઈબર સુરક્ષા જાળવી રાખવા, નકલી ઉપકરણોને રોકવા, કાનૂન પ્રવર્તનને સક્ષમ બનાવવા અને ઉચીત કર-સંગ્રહ નિશ્ચિત કરવા માટે જરૂરી છે.

