Jasdan. તા.01
બાબરામાંથી પરિણીતાને ત્યાં નો જ શખ્સ ભગાડીને તેના બનેવીને ત્યાં ગયો હોવાની જાણ મહિલાના પતિને થતા યુવાન જસદણના વીરનગર પાસે વાડીએ જતા ત્યાં પત્નીના પ્રેમી તથા તેના બનેવી અને બહેન સહિતનાએ મારમાર્યો હતો. યુવાનને છરી જેવા હથિયાર વડે ઇજા કરી હતી જે અંગે યુવાને આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે બાબરામાં પોલીસ સ્ટેશન પાછળ રહેતા કિરણ કરસનભાઈ પરમાર (ઉ.વ 27) દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના વીરનગરમાં રહેતા રામ ખાંભુ, દકુબેન રામ ખાંભુ અને બાબરામાં રહેતા કિરણ રત્ના સોહલીયાના નામ આપી જણાવ્યું હતું કે, તે ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા. 28/10 ના તેની પત્ની સોનલ સસરાના ઘરે વાવડા ગામે આટો મારવા ગઇ હતી. બીજા દિવસે તા.29/10 ના બપોરના બારેક વાગ્યા આસપાસ બાબરા આવવા માટે નીકળી ગઈ હતી. ત્યારબાદ યુવાનને તેની સાળીનો ફોન આવ્યો હતો કે, મારી બહેન ત્યાં પહોંચી ગઈ જેથી યુવાને કહ્યું હતું કે, હજુ એ નથી આવી. યુવાને પત્નીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો.
યુવાને તપાસ કરતા તેના ગામમાં જ રહેતો કિરણ ચોહલીયા પણ ઘરે ન હોય આ બાબતે તેની માતાને પૂછતા તેણે કહ્યું હતું કે તે તેના બનેવીને ત્યાં ગયો છે. જેથી યુવાન તથા આ કિરણ ચોહલીયાના માતા લીલાબેન તેના માસી શિલ્પાબેન સહિત ત્રણે રીક્ષા લઇ વીરનગર કિરણના બનેવીની વાડીએ ગયા હતા.
વીરનગર પહોંચ્યા બાદ વાડીએ જતા આ કિરણના બનેવી રામભાઈ ખાંભું તેમજ કિરણ પણ ત્યાં હાજર હોય જેથી યુવાને કહ્યું હતું કે, મારી પત્ની ક્યાં છે મને પાછી આપી દો, તેમ કહેતા રામના હાથમાં કંઈક છરી જેવું હથિયાર હોય જે ઝીંકુ દીધું હતું તેમજ કિરણે યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન કિરણની બહેન દકુ આવી હતી અને તે પણ ગાળો આપવા લાગી હતી. જેથી આ બધા અહીંથી જતા રહ્યા હતા. યુવાનને આ હુમલામાં ઇજા પહોંચી હોય તેને સારવાર લીધી હતી. બાદમાં આ મામલે તેણે આટકોટ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

