આપના પ્રતિભાવો જણાવવા માટે
[email protected]
વૈશાલી ની વાત સાંભળી ત્યાં બેઠેલા તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા અને એક સન્નાટો છવાઈ ગયો!
આખરે થોડી વાર વિચાર્યા પછી જાડેજા સાહેબે મૌન તોડ્યું!
“વૈશાલીની વાત અને અત્યાર સુધીની આપણને આનંદ ભાવનગરી વિશે મળેલી માહિતી તેમજ અભ્યાસ મુજબ તે એક અઠ્ઠંગ અને શાતીર ખેલાડી જણાઈ રહ્યો છે. આપણા પોલીસ અધિકારીઓએ કરેલ સર્વે મુજબ જો ખરેખર તેને બહુ ઝડપથી સકંજામાં નહીં લેવામાં આવે, તો એક સમય એવો આવશે કે, તે દેશની બહારથી પોતાનું નેટવર્ક ચલાવતો હશે. મારા અનુમાન મુજબ તે મોટા રાજકારણીઓને પૈસાની લાલચ આપી પોતાના આ ધંધામાં ઝડપથી પલોટવા માંગે છે, જેથી તેને એક પ્રકારનું રાજકીય ઓથ કે સુરક્ષા કવચ મળી જાય. પરંતુ, મારો વર્ષોનો અનુભવ છે કે, કોઈપણ રાજકારણી એમ તાત્કાલિક પલોટાઈ નહીં જાય. તેથી આપણે આગામી દિવસોમાં આપણા પ્રયત્નો ચાલુ જ રાખવાના છે. આપણે આવતીકાલથી તમામ દિવસો માટે આપણા અગાઉના આયોજન મુજબ જ એક સાથે બધી જ જગ્યાએ રેડ પાડીશું. મને આશા છે કે, એક કે બે દિવસમાં તો તે હાથમાં આવી જ જશે.”
જાડેજા સાહેબે એકી શ્વાસે પણ તદ્દન સ્વસ્થતા સાથે પોતાની વાત પૂરી કરી અને પોતાની ટીમના મગજમાં ઉઠી રહેલી શંકા-કુશંકાના વાદળોને એક જ ધડાકે વિખેરી નાખ્યા.
બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ વૈશાલી, શ્યામ, પી.એસ.આઇ અને લેડી પોલીસ ઓફિસર આનંદ ભાવનગરીની ઓફિસમાં કર્મચારીઓના સ્વાંગમાં પોતાની ડ્યુટીએ લાગી ગયા અને બાકીના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ ટીમના દરેક સભ્યો પોતપોતાના લોકેશન પર ગોઠવાઈ ગયા.
આનંદ ભાવનગરીની ઓફિસમાં ધીમે ધીમે ત્યાં કામ કરતા કર્મચારીઓ પોત પોતાના સમય મુજબ પ્રવેશ લઈ રહ્યા હતા. લગભગ 10:30 વાગ્યાની આસપાસ આનંદ ભાવનગરીએ પણ ઓફિસમાં પ્રવેશ કર્યો. આનંદ ભાવનગરીના પ્રવેશતાની સાથે જ વૈશાલી, શ્યામ, પી.એસ.આઇ. અને લેડી પોલીસ ઓફિસરોએ એકબીજા સાથે આંખોથી વાતો કરી લીધી.
આનંદ ભાવનગરીએ પોતાની આદત મુજબ ફ્લેટના એક બેડરૂમમાં બનાવેલ પોતાની આલીશાન ઓફિસમાં પ્રવેશવાને બદલે મેઇન ડ્રોઈંગ રૂમમાં જ્યાં કોલ સેન્ટર ચાલતુ હતુ, ત્યાં બધાની વચ્ચે ઊભા રહી એક જાહેરાત કરી.
“મિત્રો! આજે સાંજે અહીંથી છૂટી કોઈએ ઘેર જવાનું નથી. આજે સાંજે તમને બધાને મારે શાનદાર ડિનર પાર્ટી આપવાની છે અને એક મોટી જાહેરાત કરવાની છે. તૈયાર થઈ જજો આવનાર દિવસોમાં તમારું નસીબ બદલાઈ રહ્યું છે.”
આટલી જાહેરાત કરી છાંયાને પોતાની ચેમ્બરમાં અંદર આવવાનું કહી આનંદ ભાવનગરી પોતાની ઓફિસમાં સરકી ગયો અને બાકીના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો! તેમજ અંદરો અંદર ગણગણાટ પણ શરૂ થઈ ગયો.
પણ આનંદ ભાવનગરીને ક્યાં ખબર હતી કે સાંજના ડિનરની બદલે બપોરના લંચ પહેલા એનું પોતાનું નસીબ બદલાઈ જવાનું હતું.
લગભગ સવા અગિયાર વાગ્યાની આસપાસ જાડેજા સાહેબના મોબાઈલ નંબર પર એક કોલ આવ્યો.
“મેરી આપસે ઈસસે પહેલે ભી બાત હુઈ થી ના?, તો આપ જોબ કે ઇન્ટરવ્યૂ કે લિયે અભી અપના પુરા બાયોડેટા સાથ લેકર આ સકતે હૈ?”
જાડેજા સાહેબના મોઢા પર એક આછું સ્મિત આવી ગયું. કેમકે, કોલ કરનાર હતી વૈશાલી અને પૂરા બાયોડેટા સાથ લેકર આ સકતે હૈ તે સિગ્નલ હતું કે ટીમને સાથે લઈને આવી જાવ રેડ પાડવા માટે…
વૈશાલી નો ફોન કટ કરી જાડેજા સાહેબે તુરંત જ બાકીની બે ટીમોને પણ કોલ કરી જણાવી દીધું કે, અમે આગળ વધી રહ્યા છીએ. રેડ પાડવા માટે તમે પણ તમારા લોકેશન પર રેડ કરી દો.
આ તરફ ફોન કટ કરી વૈશાલીએ આંખોથી જ ટીમના બાકીના ત્રણ મેમ્બરોને જણાવી દીધું કે, જાડેજા સાહેબ આવી રહ્યા છે, જેથી પી.એસ.આઇ. અને લેડી ઓફિસર બન્ને ફ્લેટના એક બેડરૂમમાં બનાવેલી આનંદની શાનદાર ઓફિસની આસપાસ ગોઠવાઈ ગયા, જ્યાં અંદર આનંદ સાથે છાયા પણ હતી.
આનંદની ઓફિસ જે બિલ્ડિંગમાં આવેલી હતી તે બિલ્ડીંગની આસપાસના તમામ એક્ઝિટ પોઇન્ટ સંપૂર્ણ રીતે સીલ કરી, જાડેજા સાહેબની ટીમ બિલ્ડીંગમાં પ્રવેશી અને આનંદે પોતાની ઓફિસની બાજુમાં લીધેલા નવા ફ્લેટ કે, જ્યાં નવી ઓફિસનું કામ ચાલી રહ્યું હતું, સૌપ્રથમ ત્યાંનો દરવાજો ખખડાવ્યો અને જેવો દેવજીએ દરવાજો ખોલ્યો એટલે બે કોન્સ્ટેબલે દેવજીને સકંજામાં લીધો. કેમકે, આનંદની ઓફિસનો દરવાજો તેઓ દેવજી દ્વારા ખોલાવવા માંગતા હતા.
આનંદની ઓફિસ અને તેની અંદરના તમામ ખૂણે ખૂણા જાડેજા સાહેબની ટીમની જાણમાં હતો. કેમકે, આટલા દિવસથી ત્યાં કર્મચારીઓ તરીકે કાર્યરત પી.એસ.આઇ. અને લેડી પોલીસ ઓફિસરે એક કાચુ ડ્રોઈંગ કરી અને ટીમને મીટીંગ દરમિયાન જ સમજાવી દીધું હતું કે, કોણ કઈ જગ્યાએ બેસે છે અને કઈ વસ્તુ ક્યાં પડેલી છે. જેથી ટીમને પુરાવાના ભાગરૂપે, જ્યારે રેડ થાય ત્યારે સૌથી પહેલા કોમ્પ્યુટર, ટેલિફોન, ચાઇનાથી આયાત કરેલું સર્વર અને બીજા કેટલાક ઈલેક્ટ્રીક ઉપકરણો તેમજ કેટલીક ફાઈલ, જરૂરી કાગળ, અમુક બેનામી ખાતા અને તેને લગતા પાસબુક, ચેકબુક જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સ જપ્ત કરી લેવાના હતા. જેથી કેસ મજબૂત બને અને ગુનેગારોને શક્ય હોય એટલી લાંબામાં લાંબી સજા અપાવી શકાય.
આનંદ ભાવનગરીની મુખ્ય ઓફિસના મેઈનડોરની બેલ વાગી અંદર રહેલા ઓફિસ બોય સ્વાભાવિક પણે પૂછ્યું,
“કોણ?”
“હું છું, દેવજી”
દેવજીનો ઓળખીતો અવાજ સાંભળી બહુ જ સરળતાથી અંદર રહેલા પ્યોને ઓફિસનો દરવાજો ખોલી નાખ્યો.
દરવાજો ખુલતાની સાથે જ ધડા ધડ કરતી જાડેજા સાહેબ સાથેની ટીમ આનંદ ભાવનગરીની ઓફિસમાં પ્રવેશી ગઈ અને નક્કી થયા મુજબ પોત પોતાની જગ્યાએ જઈ અને ફટાફટ કાર્યવાહી શરૂ કરી.
અંદર બેઠેલા કર્મચારીઓમાં કોઈ કંઈ સમજે તે પહેલા તો તેમની આસપાસ પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી.
“કોઈએ ઓફિસમાં રહેલા કોઈ પણ પ્રકારના સામાનને હાથ લગાડવાનો નથી, કે કોઈ પણ પ્રકારની હોશિયારી બતાવવાની નથી.”
અત્યંત કડક અને સત્તાવાહી સ્વરમાં હેડ કોન્સ્ટેબલ હર્ષદનો અવાજ હોલમાં ગુંજી ઉઠ્યો.
હોલમાં થતો કોલાહલ સાંભળી આનંદ અને છાંયા પોતાની ચેમ્બરમાંથી ઝડપથી બહાર આવ્યા. જેવા આનંદ અને છાંયા બહાર આવ્યા ત્યારે તેને જાણકારી પણ ન હતી કે આનંદની પાછળ પી.એસ.આઇ અને છાંયાની પાછળ લેડી પોલીસ ઓફિસર ગોઠવાઈ ગયા હતા.
પોલીસનો કાફલો જોઈ પહેલા તો બે મિનિટ માટે આનંદ ડઘાઈ ગયો અને છાંયાના તો હોશ કોશ જ ઉડી ગયા.
જાડેજા સાહેબ એકીટશે આનંદ ભાવનગરની સામે જોઈ રહ્યા હતા અને તેના કપડાથી માંડી તેના દેખાવનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
થોડી સેકન્ડ પછી આનંદે સ્વસ્થતા મેળવી લીધી.
“તમારે કોઈએ ગભરાવાની જરૂર નથી. આ લોકોને ખબર નથી કે, તે કોની ઓફિસમાં આવ્યા છે અને આનું શું પરિણામ આવશે.”
આનંદે પોતાના તમામ કર્મચારીઓને સંબોધતા કહ્યું.
ત્યાર પછી હેડ કોન્સ્ટેબલ હર્ષદની સામે ફરી આનંદે તેની આંખમાં આંખ પરોવી બહુ જ ફિલ્મી સ્ટાઇલમાં ચવાઈ ગયેલો ડાયલોગ માર્યો.
“અહીં રેડ પાડવાનું કે જડતી લેવાનું તમારી પાસે ‘સર્ચ વોરંટ’ છે? પહેલા વોરંટ બતાવો અને તમારા તમામના ‘આઈકાર્ડ’ બતાવો પછી જ અહીંના કોઈ કર્મચારી કે કોઈ વસ્તુને હાથ અડાડજો.”
આનંદે બતાવેલી હિંમત જોઈ તેના એકાદ બે કર્મચારીઓમાં પણ હિંમત આવી અને તેમણે પણ કહ્યું,
“હા સાચી વાત છે, પહેલા તમારા આઈ કાર્ડ બતાવો અને પછી જ અમને હાથ અડાડજો.”
આનંદ ભાવનાગરીની વાત પછી ત્યાં આવેલી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અટકી જઈ બે મિનિટ માટે આનંદ ભાવનગરીને શાંતિથી સાંભળ્યો. તેથી, એકાએક આનંદ ભાવનગરીની હિંમ્મત વધારે વધી ગઈ.
“તમને કદાચ ખબર નહીં હોય, કે, આ ઓફિસ ગુજરાતના મોટામાં મોટા નેતાની છે. હમણાં જ તમારી વાત કરાવું એટલે જે દરવાજેથી તમે અંદર આવ્યા છો ત્યાંથી જ તમારે પાછું વળી જવાનું રહેશે.”
આટલું બોલી આનંદ ભાવનગરીએ ખિસ્સામાં હાથ નાખી પોતાનો મોબાઈલ ફોન બહાર કાઢ્યો અને નંબર જોડ્યો.
‘સટાક ક ક…’
આનંદનો ફોન લાગે તે પહેલા જ જાડેજા સાહેબના કસાયેલા પંજાનો એક મજબૂત તમાચો આનંદના ગાલ પર પડ્યો.
તમાચો એટલો ધારદાર હતો કે, થોડી સેકન્ડો માટે તો તેના પડઘા હોલમાં ગુંજી ઉઠ્યા અને આનંદના હાથમાંથી ફોન તેમજ આંખો પરથી ચશ્મા ઉડી અને દૂર ખૂણામાં જઈને પડ્યા.
“હવે બીજા કોઈને સર્ચ વોરંટ કે આઈ કાર્ડ જોવા છે?, તો તેમને પણ બતાવું.”
જાડેજા સાહેબની સિંહ જેવી ગર્જના સાંભળી તમામ કર્મચારીઓ થથરી ગયા.
“મારી સામે કોઈ પણ પ્રકારની ચાલાકી કે હોશિયારી બતાવવા જશો તો તેનું પરિણામ આવું જ આવશે.”
જાડેજા સાહેબે ચેતવણી આપતા વધુમાં ઉમેર્યું.
“તમને એક વાત સ્પષ્ટપણે જણાવી દઉં કે, અહીં ઉપસ્થિત તમામ લોકોના નામ સરનામા સહિત તમારા આ આનંદ ભાવનગરી અને છાંયાની આખી કુંડળી મારી પાસે છે. એટલું જ નહીં, અત્યારે આ છાંયાના ઘર અને આનંદ ભાવનગરીના ઘર પર પણ મારી ટીમો રેડ કરી રહી છે. તેમજ પાછલા કેટલાક દિવસોથી તમારી વચ્ચે મારી જ ટીમના ચાર લોકો કર્મચારી બનીને કામ કરી રહ્યા છે.”
જાડેજા સાહેબે વાક્ય પૂરું કરતાની સાથે વૈશાલી અને શ્યામ જાડેજા સાહેબની બાજુમાં આવીને ગોઠવાઈ ગયા. તેમજ પી.એસ.આઇ. અને લેડી ઓફિસર બંન્નેએ પાછળ બોચીમાંથી આનંદ અને છાંયાને પકડ્યા.
માત્ર થોડી જ સેકન્ડોમાં આખું ચિત્ર એટલી ઝડપે પલટાઈ ગયું કે, આનંદ ભાવનગરી અને છાંયા સહિત ત્યાં હાજર તમામ કર્મચારીઓની સમજણમાં કશું જ ન આવ્યું. વૈશાલી, શ્યામ સહિત આ ચાર લોકો કર્મચારી નહીં પરંતુ પોલીસની ટીમના સભ્યો છે, તે જોયા જાણ્યા પછી ત્યાં હાજર રહેલ તમામ લોકોને સમજાઈ ગયું કે, હવે કોઈ પણ પ્રકારની હોશિયારી બતાવવી વ્યર્થ છે અને સમર્પણ કરી દેવામાં જ શાણપણ છે.
પિસ્તાલીસ મિનિટ જેટલા સમય ગાળામાં આનંદ ભાવનગરી, છાંયા સહિત તમામ લોકોને, ઓફિસમાં રહેલ તમામ યાંત્રિક ઉપકરણો, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, લેપટોપ, બેંકને લગતા ડોક્યુમેન્ટ્સ સાથે જ્યારે લાઈન બંધ ક્રમમાં ફ્લેટના આંગણામાં લઈ આવવામાં આવ્યા, ત્યારે તેમને જોવા ફ્લેટના તેમજ બહારના લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું હતું.
જાડેજા સાહેબની સૂચના મુજબ જ્યારે પોલીસની વેન આ બધા લોકોને બેસાડવા માટે ફ્લેટમાં પ્રવેશી ત્યારે ત્યાંનો માહોલ અત્યંત સંવેદનશીલ બની ગયો હતો. એકઠા થયેલા લોકોને કશી જ ખબર ન હોય અનેક પ્રકારના તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા. કોઈ કહી રહ્યું હતું કે, અંદર કુટણખાનું ચાલી રહ્યું હતું, કોઈ કહી રહ્યું હતું કે, અંદર જુગારની ક્લબ ચાલી રહી હતી. લોકો પોત પોતાની રીતે પોતાના તુક્કા અને તર્ક અજમાવી રહ્યા હતા ત્યારે, લોકોનો આ ગણગણાંટ કાને પડતા, છાંયા સહિતની જેટલી પણ મહિલા કર્મચારીઓ ત્યાં કામ કરી રહી હતી તે દરેકને શરમથી મરી જવાના વિચારો મનમાં ચાલી રહ્યા હતા પરંતુ આનંદ ભાવનગરીના મનમાં હજુ પણ આ સમસ્યા સાથે કેવી રીતે જજુમવું કે, આમાંથી કઈ રીતે બહાર નીકળવું, તે વિચારો ચાલી રહ્યા હતા.! અલબત્ત જાડેજા સાહેબના જોરદાર તમાચા પછી તેની હિંમ્મત પણ પચાસ ટકા તો ભાંગી જ ગઈ હતી.
તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈ આવ્યા પછી ગુનેગારોની મોડસ ઓપરેન્ડીથી સુપેરે વાકેફ એવા જાડેજા સાહેબે પોતાના કોન્સ્ટેબલને અને લેડી કોન્સ્ટેબલને ધરપકડ કરાયેલા બધા લોકો સાંભળે એમ જાહેરમાં ઓર્ડર કર્યો.
“આમાંથી જેટલા લોકો સાક્ષી બનવા માગતા હોય તેમને પૂછી અને અલગ તારવી લો અને બાકીના બધાના હાથ પગ બાંધી અને અંદર લઈ ઊંધા સુવડાવી દો. હર્ષદ! તમે અને ટીમના પાંચ લોકો પોતપોતાની લાકડીઓ અને કમરપટા લઈ અંદરના રૂમમાં મારી રાહ જુઓ હમણાં હું આવું છું.”
આટલું સાંભળતા જ મોટાભાગના લોકો તો રડવા મંડ્યા કેમકે, તેઓ કોઇ મોટા ગુનેગાર ન હતા અને લગભગ તમામનો પોલીસ સ્ટેશનમાં આવવાનો પ્રથમ જ અનુભવ હતો. તેથી જાડેજા સાહેબની ચાલમાં તે લોકો સરળતાથી ફસાઈ ગયા.
થોડી જ વારમાં બાકીની ટીમો પણ પોત પોતાના લોકેશન પરથી રેડ કરી અને પરત ફરી રહી હતી. તેમની સાથે પણ જપ્ત થયેલ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પુરાવા હતા અને સાથે સાથે છાંયાનો પતિ તેમજ તેનો પુત્ર પણ હતા. પોતાના પતિ અને પુત્રને જોતા જ છાયા પણ ભાંગી પડી અને હીબકે હીબકે રડવા માંડી.
આમને આમ થોડો સમય નીકળ્યો, ધીમે ધીમે બધા થોડા સ્વસ્થ થયા, પછી જાડેજા સાહેબે ફરીથી એકવાર ખાલી ધમકી સ્વરૂપે પૂછ્યું,
“હું, રિમાન્ડ શરૂ કરું તે પહેલા કોણ કોણ સાક્ષી બનવા માંગે છે?”
આશ્ચર્યજનક રીતે સૌથી પહેલા છાંયા આગળ આવી તેણે કહ્યું,
“સાહેબ, હું સાક્ષી બનવા માંગુ છું!”
છાયાનું આ બદલાયેલું સ્વરૂપ જોઈ આનંદ એક જ ઝાટકે ઊંડા આઘાતમાં સરી પડ્યો.
છેવટે આનંદને સમજાઈ ગયું કે, હવે બચવાનો કોઈ જ રસ્તો નથી. તેથી પૂછપરછ દરમિયાન તેણે સંપૂર્ણ સહકાર આપી પોતાના આર્થિક ગુન્હાના સામ્રાજ્યની તલે તલની વિગત જાડેજા સાહેબની ટીમને જણાવી દીધી.
આનંદની કબુલાત, સાક્ષીઓની જુબાની તેમજ પુરાવાના આધારે જાડેજા સાહેબે એક મજબૂત કેસ બનાવ્યો અને આનંદ તેમજ તેની સાથે જોડાયેલા લોકો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા.
પોતાની સજા પૂરી કરી બહાર આવ્યા પછી, આનંદ ફરીથી ભાવનગર ખાતે સ્થળાંતર કરી, ભાવનગરમાં નાનકડી ફીનાઇલની દુકાન ચલાવે છે અને ફરીથી ભાવનગરથી સુરત વચ્ચેની હાઇવે હોટલોમાં ફીનાઇલની ફેરી કરવાવાળો ‘ફીનાઇલનો ફેરિયો’ બની ગયો છે.
-સમાપ્ત.