Hyderabad,તા.03
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ તેના પિતા પીવી રમનાએ કરી હતી.
તેણે પીટીઆઈને કહ્યું કે, આ બધું એક મહિના પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતું. સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે નવા જીવનની શરૂઆત કરશે. સિંધુનો ભાવિ પતિ હૈદરાબાદનો છે. તેઓ પોસિડેક્સ ટેક્નોલોજીમાં એક્ઝિક્યુટિવ ડિરેકટર છે.
સિંધુના પિતા પીવી રમણાએ કહ્યું- બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું નક્કી થઈ ગયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે તેનું (સિંધુનું) શેડ્યૂલ જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે.
સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટનનો ત્રીજી વખત ખિતાબ જીત્યો
29 વર્ષીય ખેલાડીએ રવિવારે સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટનની ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને હરાવીને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. લખનૌમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ચીનના વુ લુઓ યુને 21-14, 21-16થી હરાવીને ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી.
તેણે આ પહેલા 2017 અને 2022માં પણ ટ્રોફી જીતી હતી. સિંધુએ બે વર્ષ અને ચાર મહિનાના અંતરાલ પછી પોડિયમનું ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે. તેણે જુલાઇ 2022માં સિંગાપોર ઓપનમાં તેનું છેલ્લું ટાઇટલ જીત્યું હતું. આ વર્ષે તે મે મહિનામાં મલેશિયા માસ્ટર્સ સુપર 500ની ફાઇનલમાં પણ પહોંચી હતી.