જો લોકસભા ચૂંટણીમાં બહુમત હાંસલ કરી શકવાને કારણે એનડીએની અંદર ભાજપ નેતૃત્વની પકડ થોડી કમજોર થઈ છે તો હરિયાણાની હાર પણ ઇન્ડી ગઠબંધનમાં કોંગ્રેસની સાખ પર ભારે પડતી દેખાઈ રહી છે. હરિયાણાનાં ચૂંટણી પરિણામો આવ્યા બાદ ન માત્ર વિપક્ષી નેતાઓની નિવેદનબાજીથી અંદાજ બદલાઈ ગયા છે, બલ્કે સીટ વહેંચણીમાં કોંગ્રેસની સોદાબાજી કરવાની ક્ષમતા પણ ખતમ થઈ ગઈ લાગે છે. તેનો પહેલો મોટો પ્રભાવ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો, જ્યાં નવ વિધાનસભા સીટો પર થઈ રહેલ પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં સમાજવાદી પાર્ટીએ એક તરફી રીતે ઉમેદવારો જાહેર કરી દીધા. કોંગ્રેસે પહેલાં પડદા પાછળ વાતચીત કરીને બાબતને સંભાળવાની કોશિશ કરી, પરંતુ તેનું કશું ચાલ્યું નહીં. આખરે તેણે ત્યાગની મુદ્રા અખત્યાર કરવી પડી અને કહ્યું કે લોકતંત્ર અને બંધારણ બચાવવાની આ લડાઈમાં વ્યાપક હિતોને જોતાં તે પોતાનો કોઈ ઉમેદવાર ઊભો નહીં કરે અને તમામ ૯ બેઠકો પર સમાજવાદી પાર્ટીને જીતાડવાનો પ્રયાસ કરશે.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ત્રણેય મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ ખુદને સૌથી મોટી ગણાવી રહી હતી. તેનો ઠોસ આધાર પણ હતો. લોકસભા ચૂંટણીઓમાં પાર્ટીએ રાજ્યમાં વિપક્ષી દળોમાં સૌથી વધુ ૧૩ સીટો જીતી હતી. સ્વાભાવિક છે કે તે બાકી બંને પક્ષોના મુકાબલે વધુ સીટો માંગી રહી હતી. શરૂઆતી સમાચારોમાં એવા સંકેત પણ મળ્યા કે તેની માંગનો સ્વીકાર કરી લેવામાં આવશે. પરંતુ આખરી દોરમાં શરદ પવારની આગેવાનીમાં થયેલ બેઠકમાં જે ફોર્મ્યુલા મંજૂર થઈ, તે અનુસાર ત્રણેય પાર્ટીઓ – કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ)એ ૮૫-૮૫ સીટો પર લડવાનું નક્કી કર્યું. નિશ્ચિત રૂપે આ કથિત બરાબરી કોંગ્રેસની વિરુદ્ઘમાં છે, પરંતુ તેણે આ ફોર્મ્યુલા માનવા સિવાય છૂટકો નથી. સવાલ એ છેકે કોંગ્રેસનું આ ઘટેલું કદ ઇન્ડી ગઠબંધનના પ્રાદેશિક પક્ષો માટે તાત્કાલિક રીતે ફાયદેમંદ ભલે હોય, પરંતુ શું દીર્ઘકાલીન રીતે ગઠબંધન માટે શું તે લાભદાયક હશે? ધ્યાન રહે, લોકસભા ચૂંટણીઓમાં જો વિપક્ષ બહેતર પ્રદર્શન કરી શક્યો તો તેની પાછળ બે દોરની ભારત જડો યાત્રાને કારણે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના વધેલા કદનું પણ ઓછું યોગદાન નથી. ભલે હાલનો દોર ગઠબંધનનો હોય, પરંતુ તેના કેન્દ્રમાં એક મોટા વ્યક્તિત્વની હાજરી જરૂરી હોય છે, જે ગઠબંધનને જોડી રાખે છે અને તેને મજબૂતી પણ આપે છે. જોકે અત્યારની કોંગ્રેસમાં એ દમ રહ્યો નથી. તેની હાલત એવી થઈ ગઈ છે કે તેણે પ્રાદેશિક પક્ષોનું પૂંછડું પકડીને ચાલવું પડે છે, ત્યારે માંડ તે થોડી સીટો જીતી શકે છે. એવામાં જો વિપક્ષી ગઠબંધનને સાર્થક વિકલ્પ રૂપે બની રહેવું હોય તો કોંગ્રેસે આ કમજોરીમાંથી બહાર આવવું પડશે. પરંતુ એ ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તે ભાજપ સાથે સીધા મુકાબલામાં હારી જવાની પોતાની છબિને નિર્ણાયક રૂપે બદલતી નથી.