ભારત દેશ આજે વિશ્વગુરુ બનવાની વાતો છે ને બીજી તરફ વિશ્વમાં ભારતનું જે સ્થાન બતાવવામાં આવે છે તે દરેક નાગરિક માટે આશ્ચર્ય અને આઘાત આપનારું છે. ’ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે, ત્યારે દેશ માટે પ્રથમ આશ્ચર્ય તો ૮૦ કરોડ લોકોને ભારત મફત અનાજ આપવાનું છે ને આ સિલસિલો ૨૦૨૮ સુધી ચાલવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા દેશો કરતા, ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારતની, એ દેશો સાથે તુલના ક્યાં ધોરણે થાય છે તે સ્પષ્ટ નથી. યુનાઈટેડ નેશન્સ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ, ઓક્સફર્ડ પોવર્ટી અને હ્યુમન ડેવેલપમેન્ટ ઇનિશિએટિવ આ ત્રણ સંસ્થા બહુઆયામી ગરીબી સૂચકાંક રિપોર્ટ રજૂ કરે છે. ૧૧૨ દેશોમાંથી ૬.૩ અબજ લોકો સંઘર્ષ અને ગરીબી વચ્ચે ઝઝૂમી રહ્યા છે તેવો રિપોર્ટ છે. સંયુક્ત રાષ્ટ્રના આ નવા રિપોર્ટ પ્રમાણે એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં સબડી રહ્યા છે, એટલું જ નહીં, સૌથી વધુ ગરીબ ૨૩.૪ કરોડ લોકો ભારતમાં છે. પાકિસ્તાન, ઇથોપિયા, નાઈજીરિયા અને કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિકમાં ભારત કરતાં ઓછી ગરીબી છે. વિશ્વ સ્તરે દુર્બળતા ૧૮.૭ ટકા છે, જ્યારે ભારતમાં તે ૧૩.૭ ટકા છે.
ભૂખમરાને મામલે’ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ ભારતનું ૧૨૭ દેશોમાં ૧૦૫મું સ્થાન જાહેર કરે છે. ૧૨૭માંથી ૪૨ દેશો એવા છે, જે લક્ષ્ય હાંસલ કરવામાં બાધક છે. આ સ્થિતિ હોય તો ભારતને ’હાઇલાઇટ’ કરવાનો અર્થ કેટલો તે પ્રશ્ન જ છે. બને કે ભારત ભૂખમરો દૂર કરવાના જે પ્રયત્નો કરે છે એ મામલે હંગર ઇન્ડેક્સ તરફથી દુર્લક્ષ સેવાયું હોય. એ સાચું કે અનાજનું પૂરતું ઉત્પાદન છતાં ભારતમાં ૩૦ લાખ કુપોષિત બાળકો છે, ’ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ સૂચવે છે,એટલી ગંભીર સ્થિતિ ભારતની નથી !
ભારતનું સ્થાન મહિલા સુરક્ષામાં ૧૭૭ દેશોમાં ૧૨૮મું નક્કી થયું છે. સંશોધકો દ્વારા ૨૦૧૭થી ૨૦૨૩ સુધીમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે, વૈશ્વિક સ્તરે વીમેન, પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ દ્વારા વિવિધ દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો. મહિલાઓનો સામાજિક, આર્થિક, રાજકીય બાબતોમાં સમાવેશ, ફોર્મલ અને ઇન્ફોર્મલ સ્તરે ભેદભાવ અને ન્યાયની સ્થિતિ, યક્તિગત, પારિવારિક, સામૂહિક,સામાજિક સુરક્ષાની સ્થિતિ- જેવી બાબતોને સર્વેમાં ધ્યાને લેવામાં આવી હતી.
મહિલાઓની સુરક્ષા સંદર્ભે ઇન્ટિમેટ પાર્ટનર દ્વારા થતી હિંસાનો મુદ્દો પણ ઉમેરાયો હતો, તે એટલે કે આ મામલે મહિલાઓ ખાસ ફરિયાદ કરતી નથી. તેમાં સર્વોચ્ચ સ્થાને ડેન્માર્ક અને સૌથી છેલ્લે અફઘાનિસ્તાનનો નંબર આવ્યો. મહિલાઓ સંદર્ભે સૌથી નબળી સ્થિતિના દસ દેશોની ગણના પણ પહેલેથી પછાત દેશોમાં જ થાય છે. ૨૦૧૭થી ઈરાક, અફઘાનિસ્તાન, સિરિયા, યમન દેશો નીચે હતા ને નીચલા ક્રમે જ છે. મહિલાઓ માટે સૌથી ખરાબ ૫૦ દેશોની યાદીમાં ભારત ૫૦મા ક્રમે છે. આ અભ્યાસ સંયુક્ત રાષ્ટ્રો, વર્લ્ડ બેન્ક, ગેલપ વર્લ્ડ પોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ડેટાને આધારે કરવામાં આવ્યો હતો.