ઓગસ્ટ ૨૦૧૦ની વાત છે જ્યારે રાજ્યસભામાં ભોપાલ ગેસ દુર્ઘટના પર ચર્ચા ચાલી રહી હતી. આ દુર્ઘટના અંગે આરોપ લગાવવામાં આવ્યા હતા કે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ યુનિયન કાર્બાઈડના સીઈઓ વોરેન એન્ડરસનને ભારતમાંથી ભાગવામાં મદદ કરી હતી. દુર્ઘટના દરમિયાન મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન રહેલા અર્જુન સિંહે રાજીવનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટનાના સંબંધમાં તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. અર્જુન સિંહે કહ્યું કે રાજીવ ગાંધીએ એન્ડરસન અંગે એક પણ શબ્દ કહ્યો નથી. તેમના પર કોઈપણ પ્રકારના આરોપ લગાવવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમણે ભાવનાત્મક રીતે કહ્યું કે આ ઘટના બાદ તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા તૈયાર હતો, પરંતુ રાજીવ ગાંધીએ તેમ કરવાની ના પાડી. ચાલો જાણીએ એ ભયાનક કાળી રાતની કહાની, જેણે હજારો લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી.
ભોપાલના યુનિયન કાર્બાઈડના પ્લાન્ટ નંબરમાં ૨માં ૨-૩ ડિસેમ્બરની મધ્યાંતર રાત્રિ પછી સવારે ઝેરી ગેસ મિથાઈલ આઈસોસાયનેટ લીક થઈ રહ્યો હતો. તેમાંથી બનેલી ગેસના વાદળને પવન દૂર સુધી ખેંચી જતો હતો અને લોકો રસ્તા પર પત્તાંની માફક પડતા જતા હતા. કેટલાક લોકો તે સવારે પણ જાગ્યા જ નહીં. એ રાત્રે તેમને મોતની ઊંઘ આવી હતી. સરકારી આંકડાઓ અનુસાર, આ દુર્ઘટનાના થોડા જ કલાકોમાં ૫,૨૯૫ લોકો માર્યા ગયા હતા. મૃત્યુનો આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહ્યો. અમેરિકન જંતુનાશક બનાવતી કંપની ડાઉ યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાંથી લગભગ ૪૦ ટન ગેસ લીક થયો હતો. આ ઝેરી ગેસના લીકેજની અસર એટલી બધી હતી કે વર્ષો પછી મૃત્યુઆંક ૨૫ હજારની આસપાસ પહોંચી ગયો. એવું કહેવાય છે કે આ ઝેરી ગેસને કારણે લોકોને મોતને ઘાટ ઉતારવામાં સરેરાશ ત્રણ મિનિટનો સમય લાગ્યો હતો.
દુર્ઘટનાનું કારણ એ હતું કે યુનિયન કાર્બાઈડની ટાંકી નંબર ૬૧૦માં ઝેરી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ પાણીમાં ભળ્યો હતો. આ કેમિકલ પ્રક્રિયાને કારણે ટાંકીમાં દબાણ સર્જાયું હતું અને ટાંકી ખુલી હતી અને તેમાંથી નીકળતા ગેસે હજારો લોકોના જીવ લીધા હતા. આનાથી ફેક્ટરીની નજીકની ઝૂંપડપટ્ટીઓને સૌથી ખરાબ અસર થઈ હતી. કુલ ૫,૨૧,૦૦૦ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. એક અનુમાન મુજબ પહેલા બે દિવસમાં લગભગ ૫૦ હજાર લોકોની સારવાર કરવામાં આવી હતી. શરૃઆતમાં ડોકટરોને બરાબર ખબર ન હતી કે શું કરવું જોઈએ કારણ કે તેઓને મિથાઈલ આઈસોસાયનેટ ગેસથી પીડિત લોકોની સારવાર કરવાનો કોઈ અનુભવ નહોતો. જો કે, ગેસ લીક થયાના આઠ કલાક પછી, ભોપાલને ઝેરી ગેસની અસરથી મુક્ત માનવામાં આવતું હતું. પરંતુ, આજ સુધી આ શહેર સંપૂર્ણ રીતે ઉગરી શક્યું નથી. આખા શહેરમાં વિચિત્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને ચારેબાજુ લાશો જ લાશો વિખેરાયેલી હતી. થોડા જ દિવસોમાં આસપાસના વૃક્ષો ઉજ્જડ બની ગયા અને પ્રાણીઓના ફૂલી ગયેલા શબનો નિકાલ કરવો પડયો. ૧૭૦,૦૦૦ લોકોને હોસ્પિટલો અને કામચલાઉ દવાખાનાઓમાં સારવાર આપવામાં આવી હતી. ૨,૦૦૦ ભેંસો, બકરીઓ અને અન્ય પ્રાણીઓને એકત્ર કરી દફનાવવામાં આવ્યા હતા.
ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં ૭ જૂને કોર્ટે આઠ લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસમાં યુનિયન કાર્બાઈડનો તત્કાલીન વડો વોરેન એન્ડરસનને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, તે ભારત છોડવામાં સફળ રહ્યો હતો. એન્ડરસન ગેસ અકસ્માતના ૪-૫ દિવસ પછી ૭ ડિસેમ્બરે ભોપાલ પહોંચ્યો હતો અને એરપોર્ટ પર જ તેની ધરપકડ કરવામાં આવી હતી. એન્ડરસને ફેક્ટરીમાં અગાઉના અકસ્માતોની અવગણના કરી હતી. ધરપકડના બીજા દિવસે એટલે કે થોડા કલાકોમાં જ ભોપાલના તત્કાલીન કલેક્ટર મોતી સિંહ અને એસપી સ્વરાજ પુરી એન્ડરસનને સરકારી કારમાં એરપોર્ટ લઈ ગયા. રાજ્ય સરકારનું વિમાન ત્યાં તૈયાર હતું, જેમાં એન્ડરસનને દિલ્હી મોકલવામાં આવ્યો. તે જ સાંજે દિલ્હીથી અમેરિકા જવા રવાના થઈ ગયો. આ પછી એન્ડરસન ક્યારેય ભારત આવ્યો નથી. કલેક્ટર મોતી સિંહે ૨૦૦૮માં ’અનફોલ્ડિંગ ધ બીટ્રેયલ ઓફ ભોપાલ ગેસ ટ્રેજેડી’ પુસ્તક લખ્યું હતું. તેણે લખ્યું છે કે એન્ડરસનને તત્કાલિન સીએમ અર્જુન સિંહના આદેશ પર મુક્ત કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન સિંહ તેમની આત્મકથા ’ધ ગ્રેન ઑફ સેન્ડ ઇન ધ અવરગ્લાસ ઑફ ટાઈમ’માં લખે છે કે એન્ડરસનને જામીન આપવા માટે ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો હતો.