(૧) ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારોએ આપેલ શ્રાપ.
હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં અનેક વરદાન અને શ્રાપોનું વર્ણન જોવા મળે છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ કોઇને કોઇ વાર્તા અને કારણ હોય છે.આ શ્રાપ અને વરદાનોની પાછળ ભવિષ્યમાં ઘટનાર ઘટના કારણભૂત હોય છે.નિરાકાર પ્રભુ પરમાત્માને સંતપ્રેમ આકાર આપે છે.નિર્ગુણ-નિરાકાર પરમાત્મા સંતો-ભક્તો માટે સગુણ-સાકાર બને છે.પરમાત્મા ધરતી ઉપર નિરાકારમાંથી સાકાર ક્યારે થાય છે?
જબ જબ હોઇ ધરમકી હાની,બાઢહિ અસુર અધમ અભિમાની,
કરહિં અનીતિ જાઇ નહિ બરની,સીદહિં બિપ્ર ધેનુ સુર ધરની..
જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ થાય,અધર્મ વધી જાય,લોકો એટલી હદે અનીતિ કરે કે જેનું વર્ણન કરવું મુશ્કેલ બને અને સંતો,સાધુ,બ્રાહ્મણો,વેદ..આ બધાની નિંદા થવા લાગે અને વાતાવરણ ખુબ જ ભયંકર બનવા લાગે ત્યારે ભગવાન અનેક જાતનાં શરીરો ધારણ કરીને સંત અને હરીભક્તોની પીડાનો અંત લાવવા માટે ધરતી ઉપર અવતરે છે.રામચરીત માનસમાં ભગવાન શ્રીરામના અવતાર લેવાના પાંચ કારણ બતાવ્યા છે એમાંનું પહેલું કારણ છે ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય-વિજયને સનત્કુમારો (શૌનક, સનંદન,સનાતન અને સનત્કુમાર)એ આપેલ શ્રાપ છે.સનત્કુમારો બ્રહ્માજીના માનસપૂત્રો છે તેઓ એકવાર ભગવાન વિષ્ણુના શુદ્ધ-સત્વમય બધા લોકોના શિરોભાગમાં રહેલા વૈકુઠધામમાં ભગવાન વિષ્ણુના દર્શન કરવા જાય છે,ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઇને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ તમામ પ્રકારની કામનાઓ છોડીને ફક્ત ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિના માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે.જે મનુષ્ય ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા-કથાઓ સાંભળવાનું છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ-કામ સબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે તેઓ વૈકુઠમાં જઇ શકતા નથી.તત્વજ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ થઇ શકે તેવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી તેઓ માયાથી મોહિત છે.
બ્રહ્માના માનસપૂત્રોની જેમ અંતઃકરણના પણ ચાર પ્રકાર છે.મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.અંતઃકરણ જ્યારે સંકલ્પ-વિકલ્પ કરે છે ત્યારે તે મન કહેવાય છે,કોઇ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે, પ્રભુનું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહે છે અને ક્રિયાનું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.મન,બુદ્ધિ, ચિત્ત અને અહંકારને શુદ્ધ કર્યા વિના પરમાત્માનાં દર્શન થતાં નથી.સનત્કુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય જ્યારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનિષ્ઠા સિદ્ધ થાય છે.સનત્કુમારો ભગવાનનાં દર્શન કરવા છ દરવાજા વટાવીને સાતમા દરવાજે આવે છે ત્યારે ભગવાનના પાર્થદો તેમને અટકાવે છે.યોગના આઠ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ-આ વૈકુઠના સાત દરવાજા છે.આ સાત દરવાજા વટાવ્યા પછી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે.આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાવધાન રહેવાની જરૂર છે.જય-વિજ્ય એટલે યશ,કીર્તિ,પ્રતિષ્ઠા.પૈસાનો મોહ ઘણી વખત છુટે પણ પ્રતિષ્ઠાનો મોહ જલ્દી છુટતો નથી.પ્રતિષ્ઠાનો મોહ છેક ભગવાનના સાતમા દરવાજેથી પાછા કાઢે છે.
કામ-ક્રોધ વગેરે વિકારો ક્યાંય બહારથી આવતા નથી પણ અંદર જ હોય છે અને અંદરથી જ બહાર આવે છે.જ્યારે દ્વારપાળો જય-વિજ્યે સનત્કુમારોને અટકાવ્યા ત્યારે તેઓ ક્રોધ કરીને કહે છે કે જે લોકો ભગવાનની ઉચ્ચસેવાના પ્રભાવથી આ લોક પામીને અહી નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે છતાં તમારા સ્વભાવમાં વિષમતા કેમ આવી છે? તમે ભગવાનના પાર્ષદો છો પરંતુ તમારી બુદ્ધિ ઘણી મંદ છે તેથી તમે અહી રહેવાને લાયક નથી એટલે અમારો શ્રાપ છે કે તમારે સાત જન્મો સુધી રાક્ષસ તરીકે જન્મ ધારણ કરવો પડશે.કોલાહલ થતાં ભગવાન બહાર આવે છે અને કહે છે કે દ્વારપાળોએ તમોને અટકાવ્યા તે મારી આજ્ઞાનું પાલન કરતા હતા પરંતુ તમોએ શ્રાપ આપ્યો તે બરાબર નથી કર્યું.તેઓ તો મારા ચોકીદારો છે માટે શ્રાપમાં કંઇક ફેરફાર કરો.સંતો કહે છે કે એમને રાક્ષસ તો બનવું જ પડશે પણ એક ફેરફાર કરીએ છીએ કે રાક્ષસ બન્યા પછી તમારી સાથે ભક્તિભાવ રાખશે તો સાત જન્મ પછી મુક્તિ મળશે અને જો તમારી સાથે વેર બાંધશે તો ત્રણ જન્મ પછી મુક્તિ મળશે.આટલું કહી મહાત્માઓ જતા રહ્યા.જીવે કરેલા પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી. દ્વારપાળોએ નિર્ણય કર્યો કે ભગવાનનું ભજન કરીએ તો સાત જન્મે મુક્તિ મળે એના કરતાં ભલે ભગવાન સાથે વેર કરવું પડે પણ ત્રણ જન્મે મુક્તિ થાય તેવું કરીએ.
સનત્કુમારોના ગયા પછી ભગવાને જય-વિજ્યને કહ્યું કે સનત્કુમારોનો શ્રાપ છે એટલે મિથ્યા નહી થાય.તમારા રાક્ષસ કૂળમાં ત્રણ અવતાર થશે ત્યારે તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઇશ.મારા હાથે જ તમારો ઉદ્ધાર થશે.સનત્કુમારોને તમે રોક્યા અને તમને શ્રાપ આપ્યો આ બધું મારી ઇચ્છા પ્રમાણે જ થાય છે અને આ સર્વ મારી જ લીલા છે.આ બંન્ને દ્વારપાળો સત્યુગમાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા, એ બંન્નેને મારવા પરમાત્માએ બે અવતાર લેવા પડ્યા-વરાહ અને નૃસિંહ. હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિ એટલે કે લોભનો અવતાર છે.હિરણ્યકશ્યપુ એ ભોગનો અવતાર છે.હિરણ્યાક્ષે ખુબ ભેગુ કર્યું અને હિરણ્યકશ્યપુએ બહુ ભોગવ્યું, લોભ વધે એટલે ભોગ વધે છે અને ભોગ વધે એટલે પાપ વધે છે.આ એના એ જય અને વિજ્ય ત્રેતાયુગમાં રાવણ અને કુંભકરણ(કામ) બને છે,એમને મારવા માટે પરમાત્માએ રામ અવતાર લેવો પડ્યો. આ દ્વારપાળો દ્વાપરયુગમાં શિશુપાળ અને દંતવક્ર(ક્રોધ) બને છે, તેમને મારવા માટે ભગવાનને કૃષ્ણાવતાર લેવો પડ્યો હતો.
અતિ સાવધ રહેનાર કદાચ કામ ને મારી શકે છે પરંતુ ક્રોધને મારવો અતિ કઠિન છે.કામનું મૂળ સંકલ્પ છે..જ્ઞાની અને યોગીઓ કોઇના શરીરનું ચિંતન કરતા નથી એટલે તેમને કામ ત્રાસ આપતો નથી પરંતુ ઘણીવાર ક્રોધથી પતન થાય છે.શ્રીમદ ભગવદગીતામાં કામ-ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યાં છે જે જીવાત્માનું પતન કરનારાં છે એટલે આ ત્રણેનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાન માર્ગમાં જ્ઞાનીને સિદ્ધિનો મોહ વિઘ્ન કરે છે જ્યારે ભક્તિમાર્ગમાં લોભ વિઘ્ન કરે છે.
ભગવાનના અવતાર લેવાનું બીજું કારણ બતાવતાં રામચરીત માનસમાં યાજ્ઞવલ્ક્યજી કહે છે કે જાલંધર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો.એ તમામ દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો.એની પત્ની મહાન સતી હતી અને એના સતીત્વના લીધે જાલંધર કોઇથી મરતો નહોતો.તેની પત્ની વૃદાએ ભગવાનને શ્રાપ આપ્યો હતો તેથી ભગવાને અવતાર લેવો પડ્યો હતો તે કથા હવે પછીના લેખમાં જોઇશું..
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)