2012માં સદ્ભાવના ઉપવાસ કર્યા હતાં: પોલીસ કર્મચારીઓની રજાઓ રદ્દ કરતા ડીજીપી
Veraval, તા.8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર પી એમ મોદીનો બે કિમી લાંબો રોડ શો યોજશે, જેમાં 108 અશ્ર્વો સામેલ થશે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉત્કંઠા છવાઈ ગયાં છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી જે સદભાવના ગ્રાઉન્ડમાં જનમેદનીને સંબોધન કરશે એનું અને નરેન્દ્ર મોદીનું વર્ષ 2012 નું, એટલે કે 14 વર્ષ જૂનું કનેક્શન છે.
બીજી તરફ પી એમ ના આગમનને લઇને આજથી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે.
સદભાવના ગ્રાઉન્ડ અને મોદીનું કનેક્શન પી એમ મોદી જે વિશાળ મેદાનમાં જનસભાને સંબોધશે એ સદભાવના ગ્રાઉન્ડ પોતે જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. વર્ષ 2012 માં જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાના મુદ્દે ચાલતા જન આંદોલન દરમિયાન તેમણે જાન્યુઆરી 2012 માં આ જ સ્થળે સદભાવના ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદથી આ મેદાન ’સદભાવના ગ્રાઉન્ડ’ તરીકે ઓળખાય છે.
11 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ જ સદભાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી વિશાળ જનસભાને સંબોધશે. આ જનસભામાં એક લાખથી વધુ લોકોની જનમેદની એકત્ર થવાની શક્યતા છે.
ગુજરાત પોલીસના તમામ કર્મચારી અને અધિકારીની રજા રાજ્યના પોલીસવડા કે.એલ.એન રાવ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. ફ્લાવર શો અને આગામી તહેવારને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ-વિદેશના મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. એ મુજબ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

