Dwarka, તા.8
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો પણ વિકાસમાં ભાગીદાર બને તે હેતુથી રાજ્યભરમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજિઓનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહયુ છે.
જે અંતર્ગત તા.11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રીજિઓનલ કોનફરન્સ યોજાનાર છે. તે પહેલા જિલ્લાસ્તરીય કાર્યક્રમો અનુસંધાને દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે યોજેલ કાર્યક્રમમાં રૂા.7146 કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણ માટે વિવિધ ક્ષેત્રે 23 જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિશાળ દરિયાકાંઠો આવેલ હોય આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસની વિપુલ તકો રહેલી છે. દ્વારકા જિલ્લામાં ખાસ કરીને પવન ઊર્જા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રસર બની રહયો છે. જિલ્લામાં કાર્યરત પવનચકકીઓ દ્વારા નોંધપાત્ર વિજ ઉત્પાદન થઈ રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત રીજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલ જિલ્લાસ્તરીય કાર્યક્રમમાં માત્ર રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે જ 7 હજાર કરોડથી વધુના એમ.ઓ.યુ. થયા હોય પર્યાવરણ સંરક્ષણ, ઊર્જા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે સિમાચિન્હ સાબિત થશે.

