ભગવાને ગીતા(૭/૧૫)માં કહ્યું કે ખરાબ કર્મો કરવાવાળા તથા આસુરી પ્રકૃત્તિને ધારણ કરવાવાળા મૂઢ મનુષ્યો મારૂં ભજન કરતા નથી અને પુણ્યકર્મી લોકો મારૂં ભજન કરે છે.શ્રીમદભગવદ ગીતામાં મનુષ્યને આત્મકલ્યાણ માટે દૈવી સંપત્તિ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે તેથી પોતાનું કલ્યાણ ઇચ્છનારે દૈવી સંપત્તિના ૨૬ સદગુણો-સદાચારોને જીવનમાં કર્મરૂપમાં લાવવા જોઇએ.ગીતાના ૧૬મા અધ્યાયમાં શરૂઆતના ત્રણ શ્ર્લોકોમાં ભાવ આચરણ અને પ્રભાવને લઇને દૈવી સંપત્તિના સદગુણ-સદાચારોના સારરૂપે નીચે મુજબના ૨૬ લક્ષણો બતાવ્યા છે તેનો આપણે અભ્યાસ અને ચિંતન કરી કર્મરૂપમાં લાવવા પ્રયાસ કરવાનો છે.
સંપત્તિના પાંચ પ્રકાર છેઃઆર્થિક સંપત્તિ,રાજકીય સંપત્તિ,પ્રતિષ્ઠા સંપત્તિ,પ્રભાવ સંપત્તિ અને દૈવી સંપત્તિ.પ્રથમ આર્થિક સંપત્તિ છે.અર્થ વિનાનો માણસ દરિદ્ર હોય છે.દરિદ્રતા મહાદુઃખ છે.”દારુણ દુઃખ દરિદ્રતા” આ અર્થસંપત્તિ..પુરૂષાર્થથી,વારસાથી,ભાગ્યથી અને ઈશ્વરકૃપાથી મળતી હોય છે.બધા ધનવાન નથી હોતા,નથી થઇ શકતા.જગતગુરૂ શંકરાચાર્યે લખ્યું છે..”અર્થંમનર્થં ભાવય નિત્યમ્” એટલે કે અર્થને હંમેશાં અનર્થ સમજો. “નાસ્તિતત: સુખલેશં સત્યં” તેનાથી સુખનો છાંટો પણ મળતો નથી. “પુત્રાદપિ ધનભાજાં ભીતિ:” ધનવાનોને સગા દીકરાથી પણ ભય લાગતો હોય છે કે કયારે ક્યો દીકરો ધન મેળવવા મારી નાખે તેવી ચિંતા રહ્યા રહેતી હોય છે એટલે “ભજ ગોવિદં ભજ ગોવિદં ભજ.”
રાજસત્તાની પ્રાપ્તિ એ રાજસંપત્તિ છે.ધન કરતાં પણ રાજસંપત્તિ વધુ શક્તિશાળી છે.મોટામોટા ચમરબંધી ધનવાનો પણ રાજા આગળ હાથ જોડીને ઊભા રહે છે.રાજાશાહી અને લોકશાહી બંને શાહીઓમાં સત્તા સર્વોચ્ચ મહત્તાનું સ્થાન ભોગવતી હોય છે.લોકોને વૈરાગ્ય ચઢાવીને રાજત્યાગી ન બનાવવા જોઈએ. રાજસુધારક બનાવવા જોઈએ.રાજત્યાગી કરતાં રાજસુધારક ઘણો મહાન છે તેથી રાષ્ટ્ર અને પ્રજા બંને સુખી-સમૃદ્ધ થાય છે.
પ્રતિષ્ઠા પણ સંપત્તિ છે.ઘણા લોકો ધન તો કમાઈ શકે છે પણ પ્રતિષ્ઠા નથી કમાઈ શકતા.પ્રતિષ્ઠા સદગુણો અને સદાચારથી મળતી હોય છે.લાંબા ગાળે તે જામતી હોય છે.પ્રતિષ્ઠાને આબરૂ પણ કહેવાય છે. પ્રતિષ્ઠા સત્કાર્યો કરવાથી થતી હોય છે.સત્કાર્યો સદગુણોથી થતાં હોય છે જેમકે દયા,કરૂણા,ઉદારતા,ન્યાય, નીતિ,શૌર્ય,પરાક્રમ,દાન,માન વગેરે આપવાથી કે કરવાથી પ્રતિષ્ઠા જામતી હોય છે.આબરૂ અને પ્રતિષ્ઠા જામ્યા હોય તો પણ તે સ્થાયી નથી હોતાં,ક્યારે ચાલ્યાં જાય કે ઓછાં થઈ જાય તે કહેવાય નહિ તેથી આ બંનેને ધનથી પણ વધુ જતનથી સાચવવાં પડતાં હોય છે.તલવારની ધાર ઉપર જીવન જીવે તે જ આબરૂ અને પ્રતિષ્ઠાને સાચવી શકે.
પ્રતિષ્ઠા અને પ્રભાવ બંને એક જ લાગે છે પણ થોડો ફરક છે.માનો કે તમે બહુ રૂપાળા છો તેથી તમારો પ્રભાવ પડવાનો જ ! આ સંપત્તિ છે.રૂપ-યૌવન,ઘડાયેલું શરીર,આરોગ્ય આ બધાનો પ્રભાવ પડતો હોય છે.આવો જ પ્રભાવ પહેરવેશ, જાતિ-કુળ વગેરેનો પણ પડતો હોય છે આ સંપત્તિ છે.
દૈવી સંપત્તિઃ આપણે દૈવી સંપત્તિનો વિચાર કરવાનો છે.જે દૈવે આપેલી છે તે દૈવી સંપત્તિ છે.જે તમારો સ્વભાવ છે.સ્વભાવ પુરૂષાર્થથી નથી મળતો અથવા પુરુષાર્થથી બદલી શકાતો નથી.જે મળ્યો તે મરણ સુધી તેનો તે જ રહેતો હોય છે.આ દૈવી સંપત્તિના સત્તાવીશ ગુણો ગીતામાં બતાવ્યા છે જે મહત્વના છે તેનો વિચાર કરીએ.પ્રથમ ત્રણ શ્ર્લોકોમાં ભાવ-આચરણ અને પ્રભાવને લઇને દૈવી સંપત્તિનું વર્ણન છે.
અભયં સત્વસંશુદ્વિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિ:
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ (ગીતાઃ૧૬/૧)
ભયનો સંપૂર્ણપણે અભાવ,અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું,તત્વજ્ઞાનના માટે યોગમાં દ્રઢ સ્થિતિ અને સાત્વિક દાન,ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી,યજ્ઞ,સ્વાધ્યાય,સ્વ-ધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર,મન અને વાણીની સરળતા..આ દૈવી સંપત્તિને લઇને ઉત્પન્ન થયેલા માણસોના લક્ષણો છે.
(૧)અભયમ્..ભયનો,ડરનો સર્વથા અભાવ.અનિષ્ટ થવાની આશંકાથી મનુષ્યના અંતરમાં જે ગભરાટ થાય છે તેનું નામ ભય છે અને ભયના અભાવનું નામ અભય છે.ભય બે રીતે થાય છેઃબહારથી અને અંદરથી.ચોર ડાકુ વાઘ સર્પ વગેરે પ્રાણીઓથી જે ભય થાય છે તે બહારનો ભય છે.આ ભય શરીરનાશની આશંકાથી જ થાય છે પરંતુ જ્યારે એ અનુભવ થઇ જાય કે આ શરીર નાશવાન છે અને જવાવાળું છે તો પછી ભય રહેતો નથી.ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ કોઇ કામ ન થઇ જાય,માતા-પિતા,ગુરૂ અને સંત-મહાત્માના વચનોની અવહેલના ના થઇ જાય,શાસ્ત્ર અને કૂળમર્યાદાની વિરૂદ્ધ કોઇ આચરણ ના થઇ જાય..આ પ્રકારનો ભય બહારનો ભય કહેવાય છે અને આવો ભય સાધકના જીવનમાં હોવો જ જોઇએ.
મનુષ્યનાં આચરણ સારાં હોતા નથી અને પાપ,અન્યાય,અત્યાચાર જેવા નિષિદ્ધ આચરણ કરવા જાય છે ત્યારે તેને ભય લાગે છે જેમ કે રાવણથી મનુષ્ય દેવતા યક્ષ રાક્ષસો તમામ ડરતા હતા પરંતુ એ જ રાવણ જ્યારે સીતાનું હરણ કરવા જાય છે ત્યારે પોતે ડરે છે.અન્યાય-અત્યાચાર કરવાવાળાના હ્રદય કમજોર થઇ જાય છે એટલે તેઓ ભયભીત થાય છે.જ્યારે મનુષ્ય અન્યાય-અત્યાચાર છોડીને પોતાના આચરણો અને ભાવો શુદ્ધ બનાવે છે ત્યારે તેનો ભય દૂર થાય છે.
મનુષ્ય શરીર મળ્યા પછી જીવ જ્યાંસુધી કરવા યોગ્ય કર્મ કરતો નથી,જાણવા યોગ્ય પ્રભુ પરમાત્માને જાણતો નથી અને પામવા યોગ્ય પરમપદને પામવાની વિધિ કરતો નથી ત્યાં સુધી ભય રહે છે.ભગવાન ઉપર જેટલો વિશ્વાસ વધે છે એટલો જીવ અભય બને છે.બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ પછી જેનામાં એવો વિચાર આવે છે કે હું તો પરમાત્માનો અંશ છું તેથી ક્યારેય નષ્ટ થવાનો નથી તો પછી ભય કેવો ? રામ મરે તો મૈં મરૂં નહી તો મરે બલાય, અવિનાશીકા બાલકા મરે ન મારા જાય.. ભગવાન સાથે સબંધ જોડાતાં ભગવાનને પોતાના માનવાથી શરીર કુટુંબ વગેરેમાં મમતા રહેતી નથી અને મમતા ના રહેવાથી મરવાનો ભય રહેતો નથી.
જીવન એટલે સંઘર્ષ.સંઘર્ષ એટલે ઝઘડાખોરી નહિ પણ અન્યાય,અનીતિ-દુરાચાર-પાપાચાર સામે પડકાર ફેંકવો.જે આવું નથી કરી શકતા તે નમાલું જીવન જીવે છે પણ આવું કરનાર શત્રુઓ પેદા કરે છે.શત્રુઓ ભય પેદા કરે જ કારણ કે શત્રુતા ભય વિનાની હોતી નથી.જે આવા ભયથી ના ભાગે અને દ્રઢતાથી સામનો કરે તે નિર્ભય હોય છે. બીકણ અને ડરપોક લોકો કદી મહાપુરૂષ હોતા નથી.દૈવી સંપત્તિનો પ્રથમ ગુણ નિર્ભયતા સ્વભાવગત હોય,
આલેખનઃ
વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)