New Delhi,તા.11
ફિફા વિશ્વ કપ 2026નો પ્રારંભ 11 જૂનથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થવા જઈ રહ્યો છે. આ વખતે ફિફાએ એક ઉદ્ઘાટન સમારંભની પરંપરા તોડીને ત્રણેય યજમાન દેશોમાં રમનારી પ્રથમ મેચ અગાઉ ત્રણ અલગ-અલગ ઉદ્ઘાટન સમારંભ યોજવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટનો સૌપ્રથમ મુકાબલો મેક્સિકો સિટીમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ ઓપનિંગ મેચ ભારતીય સમય અનુસાર 12 જૂનની મધ્યરાત્રીએ એટલે કે, 13 જૂને 12 વાગ્યાને 30 મિનિટે શરૂ થશે.
બીજો ઉદ્ઘાટન સમારંભ કેનેડાના ટોરોન્ટોમાં યોજાશે, જ્યાં કેનેડાનો સામનો બોસ્નિયા એન્ડ હર્ઝિગોવિના સામે થવાનો છે. ભારતીય સમય અનુસાર 12 જૂને રાત્રે 11 વાગ્યાથી ચાહકો કાર્યક્રમ માણી શકશે. કેનેડાના આ સમારંભમાં ત્યાંના પ્રખ્યાત કલાકાર માઇકલ બબલ ઉપરાંત એલેસિયા કારા, એલેનિસ મોરિસસેટ અને પેલેસ્ટિનિયન-ચિલીયન સિંગર એલિયાના પર્ફોર્મ કરશે. ફ્રેન્ચ કલાકાર વેજેડ્રીમ, જેસી રેયેઝ, સંજોય અને વિલિયમ પ્રિન્સની સાથે બોલિવૂડ સ્ટાર નોરા ફતેહી પણ આ મંચ પર જોવા મળશે.
ટૂર્નામેન્ટનો ત્રીજો ઉદ્ઘાટન સમારંભ અમેરિકાના લોસ એન્જલસ સ્ટેડિયમમાં યોજાશે. અમેરિકામાં પ્રથમ મેચ 13 જૂને અમેરિકા અને પેરાગ્વે વચ્ચે રમાશે, જે ભારતીય સમય અનુસાર સવારે સાડા છ વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલા ભારતીય સમય મુજબ સવારે 5 વાગ્યાથી ઉદ્ઘાટન સમારંભનું પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર કેટી પેરી પોતાના હોમ સ્ટેટમાં મુખ્ય કલાકાર તરીકે સ્ટેજ ગજવશે. તેમની સાથે રેપર ફ્યુચર, અનિતા, લિસા, રેમા અને ટાઈલા જેવા વૈશ્વિક કલાકારો પણ શાનદાર પ્રદર્શન કરશે.
ટૂર્નામેન્ટનો પ્રથમ ઉદ્ઘાટન સમારંભ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ શરૂ થવાના 90 મિનિટ પહેલા મેક્સિકો સિટીમાં યોજાશે. ભારતીય સમય પ્રમાણે 11 જૂને રાત્રે 11 વાગ્યાથી આ સમારંભ લાઈવ જોઈ શકાશે અને તે આશરે 80 મિનિટ સુધી ચાલશે. આ ઉદ્ઘાટન સમારંભમાં પ્રખ્યાત ગાયિકા શકીરા અને બર્ના બોય મુખ્ય આકર્ષણ રહેશે, જેઓ ટૂર્નામેન્ટનું સત્તાવાર ગીત ‘ડાઈ ડાઈ’ રજૂ કરશે. તેમની સાથે એલેજાન્દ્રો ફર્નાન્ડીઝ, બેલિન્ડા, ડેની ઓશન, જે બાલ્વિન, લીલા ડાઉન્સ, લોસ એન્જિલ્સ અજુલેસ, માના અને ટાઈલા જેવા કલાકારો પણ પોતાનું પર્ફોર્મન્સ આપશે.ભારતમાં ફૂટબોલ ચાહકો માટે ફિફા વિશ્વ કપના ત્રણેય ઉદ્ઘાટન સમારંભોનું લાઈવ પ્રસારણ ઉપલબ્ધ રહેશે. રમતગમતના શોખીનો ભારતમાં Unite8 સ્પોર્ટ્સ ચેનલો પર આ તમામ સમારંભો અને મેચો લાઈવ નિહાળી શકશે. આ ઉપરાંત કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આ ભવ્ય ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે.

