Jasdan,તા.28
જસદણ પાસેના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જતાં કરૂણ મોત નીપજ્યા હતા. વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર મિત્રો રજા હોવાથી ઘરે કોઇને કહ્યા વિના તળાવમાં ન્હાવા ગયા હતા અને ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. કરૂણ બનાવના પગલે પરિવારો હતપ્રત બની ગયા હતા. બનાવથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી છે.
જસદણથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામ પાસેનું આલણસાગર તળાવ ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. ગઇકાલે રજા હોવાથી જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર બાળકો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડયા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી.

