New Delhi, તા.15
સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાનાં એક મામલામાં મોટો ચુકાદો આપતાં કહ્યું છે કે, માત્ર સગા-સંબંધી હોવાનાં કારણે સાસરિયા પક્ષનાં 17 સભ્યોને આરોપી બનાવી દેવા એ કાયદો અને ન્યાયની સ્પષ્ટ મજાક છે.
કોર્ટે નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા જોતાં એવું લાગે છે કે મહિલાનું મોત રસોડામાં અચાનક લાગેલી આગમાં દાઝી જવાથી થયું હતું, નહીં કે દહેજના ત્રાસના કારણે. સર્વોચ્ચ અદાલતે વર્ષ 2000 ના આ જૂના કેસમાં પતિને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે.
જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે સ્પષ્ટ કર્યું કે માત્ર લગ્ન સંબંધના કારણે જ આખા પરિવારને ગુનેગારની જેમ કોર્ટમાં ઊભો કરી દેવો વ્યાજબી નથી.
સરકારી પક્ષ આરોપીઓનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. કોર્ટે ઉમેર્યું કે આટલાં લાંબા સમય સુધી ચાલેલા કેસમાં પૂરતા પુરાવા ન હોવા છતાં કોઈ વ્યક્તિને દોષિત ગણવી એ ન્યાયનાં નિયમોની વિરુદ્ધ છે.
આ મામલો વર્ષ 2000 નો છે, જ્યાં મિર્ઝાપુરમાં એક પરિણીત મહિલા પોતાનાં સાસરે આશરે 40 ટકા જેટલી દાઝી ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેનાં લગભગ એક મહિના પછી મૃતકનાં પિતાએ મુંગેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે પતિ અને પરિવારનાં સભ્યોએ 50 હજાર રૂપિયાનાં દહેજની માંગણી કરીને તેમની દીકરીને હેરાન કરી, જેનાં લીધે તેનું મોત થયું. આ કેસમાં પતિ, સાસુ-સસરા અને ભાઈ-બહેનો સહિત કુલ 17 લોકો સામે ફરિયાદ થઈ હતી.
જો કે, પાછળથી સાસુ-સસરા અને બીજા 14 સંબંધીઓ કોર્ટમાંથી નિર્દોષ છૂટી ગયા હતા, પરંતુ નીચલી અદાલતે પતિને દોષિત જાહેર કર્યો હતો જેને હવે સુપ્રીમે મુક્ત કર્યો છે.
માત્ર કોલ રેકોર્ડથી ગેરકાયદે સંબંધ સાબિત ન થઈ શકેઃ SC
સુપ્રીમ કોર્ટે એક બીજા મહત્વનાં ચુકાદામાં જણાવ્યું છે કે માત્ર ફોન પર વાતચીતના કોલ રેકોર્ડ્સના આધારે કોઈના ગેરકાયદે સંબંધો હોવાનું સાબિત કરી શકાય નહીં. અદાલતે સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિજન્ય પુરાવા પર આધારિત હત્યાનાં કેસોમાં સરકારી પક્ષે પુરાવાની એવી મજબૂત કડીઓ આપવી પડે છે, જે આરોપીનો ગુનો સાબિત કરી શકે. જો આવું ન થાય તો નીચલી કોર્ટની સજાને કાયમ રાખી શકાય નહીં.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી. વરાલેની બેંચે મહારાષ્ટ્ર સરકારની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં બોમ્બે હાઈકોર્ટનાં વર્ષ 2010 ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે વર્ષ 2007 માં થયેલી બેંક કર્મચારી કિરણ સૂર્યવંશીની હત્યાનાં કેસમાં તેમની પત્ની મોનિકા, તેનાં કથિત પ્રેમી અને અન્ય એક આરોપી જ્ઞાનેશ્વર ગંગારામ મહાલેને હત્યા અને કાવતરાના આરોપોમાંથી મુક્ત કર્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે યોગ્ય રાખ્યો છે.

