New Delhi,તા.01
દેશમાં કર્મચારીઓની નોકરી વિશેની વિચારસરણી ઝડપથી બદલાઈ રહી છે. વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસીસ ફર્મ એઓન પીએલસી દ્વારા 2025 ના એમ્પ્લોયી સેન્ટિમેન્ટ સ્ટડી અનુસાર, ભારતમાં 82 ટકા કર્મચારીઓ કાં તો નવી નોકરી શોધી રહ્યાં છે અથવા આગામી 12 મહિનામાં તેમની વર્તમાન કંપની છોડવાનું વિચારી રહ્યાં છે. આ આંકડો 60 ટકાની વૈશ્વિક સરેરાશથી ઘણો વધારે છે.
આ સર્વેક્ષણમાં ભારત, અમેરિકા, યુકે, ચીન અને ઓસ્ટ્રેલિયા સહિત 23 દેશોનાં 9000થી વધુ કર્મચારીઓનાં પ્રતિભાવો લેવામાં આવ્યાં હતાં. ભારતમાં નોકરીઓ બદલવાનું આ વલણ મહત્ત્વનું છે, કારણ કે તે માત્ર ટેલેન્ટ રિટેન્શન માટેની કંપનીઓની વ્યુહરચનાને જ પડકારતું નથી.
પરંતુ ભારતનાં યુવા કાર્યબળની બદલાતી પ્રાથમિકતાઓને પણ ઉજાગર કરે છે. સર્વે અનુસાર ભારતમાં 7 ટકા કર્મચારીઓને એવું લાગે છે કે તેમને ઓછા આંકવામાં આવે છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 13 ટકા છે.
એઓન (ઇન્ડિયા)ના નીતિન સેઠીના જણાવ્યાં અનુસાર, કોવિડ પછી, કર્મચારીઓએ કંપનીઓની સુવિધાઓ, કલ્યાણ અને આરોગ્યને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. આ બાબતો હવે કંપનીની નીતિઓ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે કંપનીના બ્રાન્ડિંગ અને મૂલ્ય દરખાસ્તનો એક ભાગ બની ગઈ છે.
એઆઇ શિખવા માંગે છે
આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, 43 ટકા ભારતીય કર્મચારીઓ એઆઈ સાથે સંબંધિત કૌશલ્ય શીખવા માંગે છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 35 ટકા છે. આનો અર્થ એ થયો કે ભારતીય કાર્યબળ ટેકનોલોજી સાથે તાલ મિલાવવા તૈયાર છે, પરંતુ 10 ટકા કર્મચારીઓ માનતાં નથી કે તેમની કંપની તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે રોકાણ કરી રહી છે.
સર્વેમાં એ પણ નોંધ્યું છે કે, 76 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે તેઓ હાલનાં લાભોનું બલિદાન આપવા અને વધુ સારા વિકલ્પો અપનાવવા માંગશે.
કામ પર સલામતી અને આરોગ્યનો અધિકાર એ એક અધૂરું સ્વપ્ન છે
વિશ્વભરમાં કામ કરતાં લાખો લોકો માટે સલામતી અને આરોગ્ય એ એક સ્વપ્ન છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યાં અનુસાર, 2019 માં કામ સંબંધિત રોગો અથવા અકસ્માતોને કારણે લગભગ 2.93 મિલિયન લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આમાંના મોટાભાગના લોકો લાંબા કલાકો સુધી કામ કરવાને કારણે થતી બીમારીઓને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ ઉપરાંત લગભગ 39.5 કરોડ લોકો કામ પર ઘાયલ થયાં હતાં.
ભારતીય કર્મચારીઓનાં પાંચ મુખ્ય લાભો
1. કાર્ય અને જીવન વચ્ચે સંકલન
2. હેલ્થ ઈન્શ્યોરન્સ
3. કારકિર્દીનો વિકાસ
4. પેઇડ લીવ
5. નિવૃત્તિની બચત