Canada તા.17
કેનેડામાં એક ગેસ સ્ટેશનમાં રોબરી કરવાના આરોપમાં પાંચ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેવાંગ પટેલ, યોગેશ પટેલ, ભાવીન પટેલ, મિતુલ પટેલ અને રિકી પટેલ નામના પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરાઈ છે.
આરોપીઓની ઉંમર 45 વર્ષથી લઈને 29 વર્ષની છે અને તમામ ટોરન્ટોના રહેવાસી છે. તેમના પર રોબરી અને જાણીજોઈને પાંચ હજાર ડોલરથી ઓછું નુક્સાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાંચેય કથિત લૂંટારા ક્રાઈમ સીન પરથી જ પકડાઈ ગયા હતા અને મુદ્દામાલ પણ તેમની કારમાંથી મળી આવ્યો હતો.
આ તમામ આરોપીઓ એકબીજાને ઓળખે છે કે કેમ તે અંગે પોલીસે હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરી. ધરપકડ બાદ તેમને કોર્ટમાં હાજર રહેવાની શરતે જેલમાંથી છોડી મૂકાયા હતા, તેમને ફેબ્રુઆરી 26ના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે.
ઓન્ટારિયોમાં એક નાના ટાઉનમાં જાન્યુઆરી 11ના રોજ સવારે પોણા આઠ વાગ્યે બનેલી આ ઘટનામાં કથિત લૂંટારા કોફી મશીન અને માઈક્રોવેવ પણ ઉઠાવી ગયા હતા. જે ગેસ સ્ટેશનમાં રોબરી થઈ હતી તેમાં નાનો સ્ટોર અને લીકલ સ્ટોર પણ ચાલે છે. મિડલસેક્સ કાઉન્ટીમાં આવેલા લંડનની નોર્થ સાઈડમાં ઈલ્ડર્ટન નામનું એક ટાઉન આવેલું છે.
જેમાં ચાલતા ગેસ સ્ટેશનને આ પાંચ ગુજરાતીઓએ ટાર્ગેટ કર્યો હતો તેવું પોલીસનું કહેવું છે. જોકે, માઈક્રોવેવ અને કોફી મશીન લૂંટવાની સાથે તેમણે બીજો કયો સામાન ઉઠાવ્યો હતો તેમજ કથિત રોબરી દરમિયાન કોઈ ભાંગફોડ થઈ હતી કે નહીં, આરોપીઓ ત્યારે નશાની હાલતમાં હતા કે કેમ તે અંગે પોલીસે કોઈ માહિતી નથી આપી તેમજ તેઓ કયા સ્ટેટસ પર કેનેડામાં રહે છે તે પણ જાણવા નથી મળ્યું.
લૂંટારા ક્રાઈમ સીન પરથી ભાગી છૂટે તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી જ તેમને અરેસ્ટ કરી લેવાયા હતા. પોલીસ ભલે આ કેસની તપાસ કરી રહી હોય પરંતુ ખરેખર આ મામલો લૂંટનો જ છે કે કેમ તે શંકાસ્પદ લાગી રહ્યું છે કારણકે કેનેડામાં કોઈ ગુજરાતીએ રોબરી કરી હોય તેવું આજ સુધી લગભગ નથી થયું.
જો કોઈને રોબરી કરવી જ હોય તો તે મોઢું ખૂલ્લું રાખીને કેમ આવે તે પણ એક સવાલ છે. એટલું જ નહીં, લૂંટારાએ જો ઈચ્છ્યું હોત તો તેઓ ક્રાઈમ સીન પરથી ભાગી શક્યા હોત પણ પોલીસ આવી ત્યાં સુધી તેઓ ત્યાં જ હતા. આ ઉપરાંત જે ગેસ સ્ટેશન પર રોબરી થઈ છે તે કોઈ ઈન્ડિયનનો જ છે કે કેમ તે પણ પોલીસે ક્લીયર ના કર્યું હોવાથી મામલો વધુ શંકાસ્પદ બને છે.

