Jasdan, તા.17
જસદણ શહેરમાં માનવ સેવાના કાર્યોમાં અગ્રેસર એવી પ્રભુ સદભાવના સેવા સમિતિ દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષથી સતત કાર્યરત આ સંસ્થાએ આ વર્ષે પણ પરંપરા જાળવી રાખી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સાથે તહેવારની ખુશીઓ વહેંચી હતી.સંસ્થા દ્વારા જસદણના અંદાજે 600 જેટલા જરૂરિયાતમંદ લોકોને ગરમાગરમ પ્રભુ પ્રસાદ (ભોજન) જમાડવામાં આવ્યો હતો.
માત્ર ભોજન જ નહીં, પરંતુ ઠંડી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા નીચે મુજબની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદોને બુટ તથા ચપ્પલનું વિતરણ, બાળકો અને વડીલો માટે બિસ્કિટના પેકેટ, પૌષ્ટિક અને શુદ્ધ ભોજન પીરસવામાં આવ્યું હતું. સંસ્થાના સભ્યો પોતે જ આર્થિક યોગદાન આપીને છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ તહેવારોમાં નાની-મોટી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

