Amreli,તા.20
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાંથી એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જે પ્રકૃતિપ્રેમ, ધીરજ અને નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણીએ પોતાના એકલાના પ્રયાસથી ગામને હરિયાળું બનાવવાની નેક અને ટેક લીધી છે. વર્ષ 2021થી તેમણે વૃક્ષારોપણનો જે સંકલ્પ કર્યો હતો, તેના પરિણામે આજે હજારો વૃક્ષોથી તેમનાં સ્વપ્ના સાકાર થતો જોવા મળે છે.
લીલીયા તાલુકાના નાનકડા એવા આંબા ગામનાં જયસુખભાઈને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. ખેતકામ અને રોજિંદી જિંદગી વચ્ચે પણ તેમણે પર્યાવરણ માટે કંઈક કરવાનું મનમાં નક્કી કર્યું હતું. તેઓએ આંબા ગામથી આશરે બે કિલોમીટર દૂર આવેલી પોતાની જ વાડીથી લઈ અને ગામ સુધીના રસ્તાની બંને બાજુ, તેમજ તળાવના કાંઠે તેમણે નિયમિત રીતે વૃક્ષોનું વાવેતર શરૂ કર્યું હતું.
તેમનો હેતુ માત્ર વૃક્ષ વાવવાનો નથી, પરંતુ વટ વૃક્ષો સહિતના ઘટાદાર વૃક્ષોથી એક સઘન વન ઉભું કરવાનો છે. જેથી આવનારી પેઢીઓને છાંયો, શુદ્ધ હવા અને હરિયાળું વાતાવરણ મળી રહે.
તેઓ આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત ના હોવા છતાં પણ જયસુખભાઈએ ક્યારેય હિંમત હારી નથી. લોખંડના પિંજરા ખરીદવા શક્ય ના હોવાને કારણે તેમણે દેશી રીત અપનાવી હતી. વૃક્ષોની રક્ષા માટે કાંટાળી વાડ તૈયાર કરી અને પશુઓથી વૃક્ષોનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં, પોતાની વાડીમાંથી નાની પાઇપ લાઇન ખેંચી હતી. અને તેમણે દરેક વૃક્ષ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઊભી કરી હતી.
સમયાંતરે જાતે જ વૃક્ષોને પાણી આપીને તેઓ દરેક છોડનું જતન કરેલ છે. આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણી સાબિત કરી આપેલ છે કે, કોઈ પણ મોટા બદલાવ માટે મોટી મૂડીની જરૂરિયાત નહીં, પરંતુ મજબૂત ઇચ્છા શક્તિ અને સતત પ્રયાસ જરૂરી છે.

