Bengaluru, તા. 22
ભારતમાં વિદેશી સહેલાણીઓ સાથે ગેરવર્તનની અવારનવાર બની રહેલી ઘટનામાં હવે બેંગ્લુરૂ વિમાની મથકે દક્ષિણ કોરીયાની એક મહિલા સાથે એરઇન્ડિયાના સ્ટાફે છેડછાડ કરતા જ પોલીસ એકશનમાં આવી ગઇ હતી અને આ એરલાઇન્સ સ્ટાફને ઝડપીને જેલ ભેગો કરી દેવાયો હતો.
વિમાની મથકે એરઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા 32 વર્ષની કોરીયન પ્રોફેશ્નલ મહિલાની ખોટી રીતે છેડછાડ કરવા અને તેને અડવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાનો વિરોધ છતાં પણ તે આગળ વધ્યો અને તેને બળજબરીથી ભેટી પડયો હતો.
આથી હતપ્રત થયેલી મહિલાએ અન્ય પ્રવાસીઓ પાસે મદદ માંગતા જ એરઇન્ડિયાનો આ ગ્રાઉન્ડ સ્ટાફનો કર્મચારી નાસી છુટવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તુર્ત જ તેને ઝડપી લેવાયો હતો. ગત નવેમ્બર માસમાં ટુરીસ્ટ વિઝા પર આવેલી આ મહિલા દક્ષિણ કોરીયા પરત ફરી રહી હતી.
તે સમયે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા તેને લગેજની ફરીથી ચકાસણી કરવી પડશે તેવું જણાવીને અને તેની અંગજડતી પણ લેવી પડશે તેવું જણાવ્યું હતું અને બાદમાં મહિલા સ્ટાફને બદલે પોતે જ અંગજડતી લેવા લાગ્યો હતો.
જે બાદ મહિલાએ વિરોધ કરતા તુર્ત જ ગ્રાઉન્ડ સ્ટાફને ઝડપી લેવાયો હતો. સીઆરપીએફ દ્વારા સીસીટીવી ફુટેજની મદદથી સમગ્ર ઘટના બની હોવાનું પૃષ્ટિ કરવામાં આવ્યું હતું જેથી એરઇન્ડિયાએ પણ આ કર્મચારીને તાત્કાલીક નોકરીમાંથી દુર કર્યો હતો.

