પ્રાથમિક વાટાઘાટોમાં સકારાત્મક પરિણામ દેખાશે તો યુએસ ઉપ પ્રમુખ વેન્સ પણ પાકિસ્તાન પહોંચશે
Islamabad, તા.૨૫
યુએસ-ઈરાન વચ્ચે તણાવયુક્ત યુદ્ધ વિરામની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે પાકિસ્તાન રવાના થયા હતા અને મોડી રાત્રે પહોંચી ગયા હતા. અરાઘચીએ પાકિસ્તાનની વાટ પકડ્યાના થોડા કલાકો બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનરને પણ પાકિસ્તાન જવા રવાના કર્યા છે. પાકિસ્તાનમાં યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અને સંધિની શરતો નક્કી કરવા બીજા તબક્કાની વાટાઘાટો હાથ ધરવામાં આવશે. યુએસ ઉપ પ્રમુખ જે ડી વેન્સના પાકિસ્તાન પ્રવાસનું હાલ આયોજન થયું નથી, પરંતુ વાટાઘાટોમાં પ્રગતિ જણાય તો તેઓ પાકિસ્તાન પહોંચશે.વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટના જમાવ્યા મુજબ, શનિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે વિટકોફ અને જેરેડની વાટાઘાટો થશે. આ મંત્રણા સકારાત્મક રહેવાની અને નક્કર પરિણામ મળવાની આશા વ્યક્ત કરતાં તેમણે ડીલ થવાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. ઉપ પ્રમુખ જે ડી વેન્સ હાલના તબક્કે પાકિસ્તાનની મુલાકાતે જવાના નથી, પરંતુ તેમને તૈયાર રહેવા સૂચના અપાઈ છે. વાટાઘાટોની સમગ્ર પ્રક્રિયા સાથે તેઓ જોડાયેલા રહેશે અને જરૂર જણાય તો પાકિસ્તાન માટે રવાના થશે. યુએસ પ્રમુખ ટ્રમ્પે વિટકોફ અને જેરેડને પાકિસ્તાન માટે રવાના કર્યા તેના કલાકો પહેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક્સ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, તેઓ પાકિસ્તાન, ઓમાન અને રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દ્વિપક્ષી સંબંધો અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે મહત્ત્વપૂર્ણ મંત્રણાના હેતુથી તેઓ ત્રણ દેશનો પ્રવાસ કરવાના છે. ત્રણ દેશના પ્રવાસે રવાના થતા પહેલા અરાઘચીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને સૈન્ય વડા અસીમ મુનીર સાથે ચર્ચા કરી હતી. યુએસ-ઈરાન વચ્ચે બીજા તબક્કાના વાટાઘાટો ગત સપ્તાહમાં યોજાવાની શક્યતા હતી, પરંતુ ઈરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યુ ન હતું. અગાઉ યુદ્ધ વિરામના દિવસો પૂરા થતાં જ ઈરાન પર બોમ્બ મારો કરવાની ધમકી ટ્રમ્પે આપી હતી, પરંતુ યુદ્ધ વિરામનો દિવસ આવતા જ તેમણે અનિશ્ચિત સમયગાળા માટે યુદ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઈરાન અને અમેરિકા બંને તરફથી હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દેવાઈ હતી. યુદ્ધ વિરામ દરમિયાન પણ યુએસ સેના દ્વારા થયેલી ઈરાનના મહત્ત્વના બંદરોની નાકાબંધીને યથાવત રાખવાનો નિર્ણય ટ્રમ્પે લીધો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચેનો યુદ્ધ વિરામ ત્રણ અઠવાડિયા લંબાવવા ઈઝરાયેલ-લેબેનોન સંમત હોવાની જાહેરાત કરી છે. જો કે વોશિંગ્ટન ખાતે યોજાયેલી વાટાઘાયોમાં હિઝબુલ્લાહએ ભાગ લીધો ન હતો. ઈરાનનું સમર્થન ધરાવતા હિઝબુલ્લાહ દ્વારા વાટાઘાટોનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના કારણે ગત શુક્રવારે યુદ્ધ વિરામ જાહેર થવા છતાં ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે અનેક વખત હુમલા થયા હતા. ૧૯૪૮માં ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી લેબેનોન સાથે લડાઈ ચાલ્યા કરે છે. દાયકાઓ બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી વાટાઘાટો થઈ હતી. ટ્રમ્પે આ અંગે કહ્યું હતું કે, હિઝબુલ્લાહથી પોતાનું રક્ષણ કરવાના લેબેનોનના પ્રયાસોમાં યુએસ મદદ કરી રહ્યું છે. ટ્રમ્પે યુદ્ધ વિરામ લંબાવવાની જાહેરાત કરી છે, પરંતુ હિઝબુલ્લાહ દ્વારા તેનો સ્વીકાર થયો નથી.

