Valsad,તા.૩૦
વલસાડ જિલ્લાના વાપી નજીક ઉદવાડા વિસ્તારમાં ભારતની અત્યાધુનિક અને હાઈ-સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થરમારાની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સએ ઝડપી તપાસ હાથ ધરીને માત્ર થોડા જ દિવસોમાં બે આરોપીઓને ધરપકડ કરી છે. આ કાર્યવાહીએ રેલવે સુરક્ષા અને તપાસ વ્યવસ્થાની કાર્યક્ષમતા દર્શાવી છે.
૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વંદે ભારત એક્સપ્રેસ (ગાડી નંબર ૨૨૯૬૨) વાપી અને ઉદવાડા વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિઓએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા. આ પથ્થરમારાથી ટ્રેનના કેટલાક કોચને નુકસાન થયું હોવાની શક્યતા છે, જોકે મુસાફરોને કોઈ ઈજા થઈ નથી. આ ઘટનાએ મુસાફરોમાં ભય અને અસુરક્ષાની લાગણી જગાવી હતી, કારણ કે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ અને અદ્યતન ટ્રેન પર આવા હુમલા ખૂબ જ ગંભીર બાબત છે.
ઘટનાની તાત્કાલિક જાણ થતાં જ આરપીએફની ટીમે તપાસ શરૂ કરી દીધી. ટ્રેન અને એન્જિનમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા. આ ફૂટેજમાં બે વ્યક્તિઓ શંકાસ્પદ રીતે દેખાતા હોવાનું જોવા મળ્યું. સીસીટીવી ફૂટેજના આધારે તેમજ સ્થાનિક બાતમીદારો અને સર્વેલન્સની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું. જેમાં સતેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ અને શ્રીપાલ શિવનરેશની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન સતેન્દ્રએ પોતાના જુબાનીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યા ની કબૂલાત કરી છે.

