Amreli ,તા.31
અમરેલી જિલ્લામાં અનેક સ્થળોએ બ્રાન્ડેડ કંપનીની તમાકુ, બીડી સિગારેટ સહિત અનેક ખાદ્ય તથા અખાદ્ય વસ્તુઓની નકલી માલસામાન બનાવી અને આવી વસ્તુઓનું બેફામ વેચાણ થઈ રહયું છે. અમરેલીમાં પાશેરામાં પુણી સમાન એક સ્થળેથી નકલી બીડી તમાકુ સહિતની વસ્તુઓ પોલીસે ઝડપી પાડેલ છે.
અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં બનાવટી તમાકુ, બીડી બનાવી ઠગાઈ કરી વેચાણ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, જેના અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં બનાવટી માલ મંગાવી તેના દ્વારા દ્વારા પેકીંગ કરી પોતાના આર્થિક ફાયદા સારૂ ચીજવસ્તુઓનુ ઉત્પાદન કરનાર શખ્સોની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હતી.
જે અન્વયે એસ.ઓ.જી. ટીમ અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે અમરેલી શહેરમાં આવેલ મણીનગર વિસ્તારમાં સાઈબાબાના મંદીર પાસે રહેતા ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ પઠાણ પોતાના રહેણાંક મકાને ડુપ્લીકેટ તમાકુ તેમજ ડુપ્લીકેટ બીડીની બનાવટ કરી તેનુ વેચાણ કરે છે.
જેથી બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા આ ઈસમને બનાવટી માલની તમાકુ, બીડીના જથ્થા તેમજ સુરેશ તમાકુ, બાગબાન તમાકુ, ચારભાઈ બીડી, સંભાજી બીડી બનાવવાના રો-મટીરીયઅલ, સ્ટીકરો, હોલમાર્કના સિક્કાઓ વિગેરે કુલ રૂપિયા 4,36,315 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ. અને પકડાયેલ ઈસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

