Patan,તા.૫
બનાસકાંઠા બાદ હવે પાટણ જિલ્લામાં પણ ઠાકોર સમાજના નવા ઘડાયેલા બંધારણના લીરેલીરા ઊડ્યા હોવાની ઘટના સામે આવી છે. સાંતલપુર તાલુકાના કોરડા ગામે સમાજના એક આગેવાને જ પોતાના પરિવારના લગ્ન પ્રસંગમાં નિયમોનું ઉલ્લંઘન કરતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાજમાં બે પક્ષો વચ્ચે ગણગણાટ શરૂ થયો છે.
મળતી માહિતી મુજબ, પાટણ સાંતલપુરના કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગમાં આ વિવાદ સર્જાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોરે પોતે જ સમાજના નિયમોને નેવે મૂકીને લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. ગત ૪ જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજના અગ્રણીઓએ એકત્ર થઈને સમાજમાં સુધારા લાવવા માટે કડક બંધારણ બનાવ્યું હતું, પરંતુ એક મહિનો પૂર્ણ થાય તે પહેલા જ આ બંધારણના ધજાગરા ઊડ્યા છે.
ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ, લગ્ન પ્રસંગોમાં ડીજે , ભારે ભરખમ આયોજનો અને ખર્ચાળ રાસ-ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ પરિવારો પર આવતા આર્થિક બોજને ઘટાડવાનો હતો. જોકે, આ નિયમો બન્યાનો એક મહિનો પૂર્ણ નથી થયો ને વારંવાર આ બંધારણના ધજાગરા ઊડતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે.
તાજેતરમાં બનાસકાંઠા ડીસાના જાબડીયા ગામે ડીજે પર પ્રતિબંધના નિયમનો ઉલ્લંઘન બાદ હવે પાટણ સાંતલપુરના કોરડા ગામે પણ આ નિયમનો ભંગ થયો છે. કોરડા ગામે મહિલા સરપંચના લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન કરી રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં આ લગ્ન પ્રસંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ગીત-સંગીતના તાલે લોકો ઝૂમતા જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા હોવાની માહિતી મળી રહી છે, ત્યારે સમાજના આગેવાનો રોષે ભરાયા છે.
નોંધનીય છે કે, ડીસાના જાબડીયા ગામે સમાજના બંધારણનો ભંગ કરનાર જેના ઘરે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો તે લહેરાજી રતનજી ઠાકોર સહિત કલાકાર ગબ્બર વનાજી ઠાકોર અને અર્જુન વનાજી ઠાકોર એમ ત્રણેયને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કર્યો છે, હાલ આ મુદ્દે વિવાદ ચાલી જ રહ્યો છે. ત્યારે પાટણની આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
આ ઘટના બાદ સમાજના અન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો સમાજના મોટા આગેવાનો જ નિયમોનું પાલન નહીં કરે, તો સામાન્ય જનતા પાસેથી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? જેથી સમાજના અન્ય નાગરિકો આ મુદ્દે હવે સમાજની શિસ્ત સમિતિ કે આગેવાનો કેવા પ્રકારના પગલાં લે છે તેની રાહ જોઈ રહ્યા છે. આમ એક તરફ સમાજ સુધારણાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ સત્તા અને પદ ધરાવતા લોકો દ્વારા જ નિયમોનો ભંગ થતા અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.

