Gandhinagar,તા.30
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મે ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે અને આ દરમ્યાન ગાંધીનગર ઉપરાંત સોમનાથ તથા વડોદરાની મુલાકાત લેશે. ગાંધીનગરમાં 11 અને 12 મે ના રોજ બ્રિકસ દેશોની બેઠક છે.
નરેન્દ્ર મોદી 11મીએ આ બેઠકમાં સામેલ થશે જેમાં વૈશ્વિક મુદ્દાઓ વિશે ચર્ચા અને મહત્વના નિર્ણયો થશે. આ જ દિવસે પવિત્ર તીર્થધામ સોમનાથ મંદિરના દર્શન-પુજા કરશે. ઉપરાંત વડોદરામાં સરદારધામના કાર્યક્રમમાં સામેલ થશે.
આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ સોમનાથ મંદિર છે, જે ભારતના પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાનોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા `સોમનાથ સ્વાભિમાન પર્વ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પર્વનો હેતુ મંદિરના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવાનો અને ભારતીય સંસ્કૃતિના પુનત્થાનનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો છે. વડાપ્રધાન મોદી, જે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેઓ અહીં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરીને આ ઉજવણીમાં ભાગ લેશે.
સોમનાથની મુલાકાત બાદ વડાપ્રધાન વડોદરા જશે, જ્યાં તેઓ સરદારધામ ના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સરદારધામ દ્વારા યુવાનો માટે શિક્ષણ, હોસ્ટેલ અને રોજગારીની તકો ઉભી કરવાની દિશામાં નોંધપાત્ર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. વડાપ્રધાનના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને પ્રભાસ પાટણ અને વડોદરા બંને સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી, પરંતુ વિકાસ અને સંસ્કૃતિ વચ્ચેના સુમેળને પણ દર્શાવે છે, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની બાબત છે.

