Girsomnath,તા.૫
સોમનાથ ખાતે આયોજિત કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સ્ટોલ ભાડે રાખીને સોમનાથ ટ્રસ્ટને ૯ લાખ રૂપિયા કરતા વધારેનું ભાડું ન ચૂકવીને ટ્રસ્ટ સાથે છેતરપિંડી આચરનાર એક વ્યક્તિને કોર્ટે સજા ફટકારી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વેરાવળ પ્રિતેશ અંધારિયા દ્વારા દેવાયત બારડ નામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને બાકી રહેતી રકમ ૯% સાદા વ્યાજ સાથે ચૂકવવાની સજા ફટકારતો હુકમ કર્યો છે.
સોમનાથમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં છે. જેમાં મનોરંજન અને ખાણીપીણીની સાથે રમકડા અને અન્ય ચીજ વસ્તુઓ વહેંચી શકાય તે માટેના સ્ટોલની હરાજી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.જોકે, વર્ષ ૨૦૨૩માં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ૨૨ નવેમ્બર થી લઈને ૨૬ નવેમ્બર સુધી યોજાયો હતો, જેમાં વિવિધ મનોરંજનના સ્ટોલ અને સાધનો માટે સોમનાથ ટ્રસ્ટે ટેન્ડર બહાર પાડ્યું હતું, જેની રકમ ૩૧ લાખ ૫૧ હજાર રૂપિયા રાખવામાં આવી હતી. આ ટેન્ડર સુપાસીના દેવાયત બારડ નામના વ્યક્તિએ ભર્યું હતું. શરૂઆતની રકમ ભરીને ત્યાર બાદની રકમ ન ભરતા અંતે તેની સામે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ દાખલ કરી હતી.
વર્ષ ૨૦૨૩માં કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ટેન્ડર સોમનાથ ટ્રસ્ટ પાસેથી દેવાયત ખવડ નામના વ્યક્તિએ પ્રાપ્ત કર્યું હતું, જેની રકમ ૩૧ લાખ ૫૧ હજાર હતી. જેમાં ૧૮% જીએસટી લગાવીને ૫,૬૭,૧૮૦ મળીને કુલ ૩૭ લાખ ૧૮ હજાર ૧૮૦ રુપિયાનો કરાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવાયત બારડ સાથે કરવામાં આવ્યો હતો. આ ટેન્ડર મળતા જ દેવાયત બારડે ૦૮ લાખ રૂપિયાનો ચેક મેળો શરૂ થાય તે પૂર્વે જ સોમનાથ ટ્રસ્ટને આપ્યો હતો, ત્યાર બાદ મેળો શરૂ થતા દેવાયતે ૧૨ લાખ રૂપિયા સોમનાથ મંદિર ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પરંતુ મેળાના અંતિમ દિવસે ૨૬ નવેમ્બર ૨૦૨૩ના દિવસે વરસાદ વાવાઝોડાને કારણે મેળો એક દિવસ વહેલો પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો,અને આ એક દિવસનું ભાડું સોમનાથ ટ્રસ્ટે માફ કર્યુ હતું, જેની રકમ ૭,૪૩,૬૩૬ થવા જાય છે, આ રકમને બાદ કરતાં મેળો પૂરું થયા પછી સોમનાથ ટ્રસ્ટે ૦૯,૭૪,૫૪૪ રૂપિયા દેવાયત બારડ પાસેથી મેળવવાના હતા પરંતુ આ રૂપિયા દેવાયત બારડે ન ચૂકવતા અંતે સોમનાથ ટ્રસ્ટે કાયદાકીય સહારો લીધો હતો.
વર્ષ ૨૦૨૪માં ખાનગી ફરિયાદ બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા આરોપી દેવાયત બારડ સામે ૩ મે ૨૦૨૪ના દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની કોર્ટ કાર્યવાહી ૩ જૂન ૨૦૨૪ના દિવસે કોર્ટમાં શરૂ થયો હતો ત્યાર બાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો અને અંતે ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ ના દિવસે ચુકાદો જાહેર કરતા આરોપીને એક વર્ષ ની સાદી સજા અને ૦૯,૭૪,૫૪૪ રુપિયા ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં ૯% ના સાદા વ્યાજ સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટને ચૂકવી આપવા તેવો સજા સંભળાવતો ચુકાદો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રિતેશ અંધારીયા દ્વારા જાહેર કર્યો છે
૧૭ ડિસેમ્બર ૨૦૨૩ના દિવસે આરોપી દેવાયત બારડે સોમનાથ ટ્રસ્ટને બાકી આપવાના થતા રૂપિયાનો ચેક આપ્યો હતો જે ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ના દિવસે ખાતામાં પૂરતા પૈસા ન હોવાને કારણે પરત ફર્યો હતો. આવી જ રીતે ૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે પણ બે વખત ખાતામાં પૂરતા પૈસા ન હોવાને કારણે ચેક ફરીથી પરત ફર્યો. ત્યાર બાદ સોમનાથ ટ્રસ્ટ્રના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વકીલ મારફતે ૧૫ દિવસમાં નાણાં ચૂકવી આપવાની કાયદાકીય નોટિસ દેવાયત બારડને પાઠવી હતી, તેમ છતાં પૈસા ન ભરતા અંતે સોમનાથ ટ્રસ્ટે ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ૧૩૮ અંતર્ગત કેશ દાખલ કર્યો હતો.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા દેવાયત બારડે આપેલા અને બેંક માંથી પરત થયેલા ચેક બેંકની રીસીપ્ટ ત્રણ વખત ચેક રીટર્ન થયાનો મેમો તેમજ દેવાયત બારડ સાથે સોમનાથ ટ્રસ્ટે કરેલો કરાર પત્ર ફરિયાદી દ્વારા આપવામાં આવેલી ડિમાન્ડ નોટિસ તેમજ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ આપેલી પાવર ઓફ એટર્નીની ખરી નકલની સાથે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ, લાલ કૃષ્ણ અડવાણી, જે.ડી પરમાર અને પી.કે લહેરીની સાથે ટ્રસ્ટી નોટીયાલ દ્વારા પણ આપવામાં આવેલા પુરાવાઓ વિજયસિંહ ચાવડા દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી અને ફરિયાદી પક્ષની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપી દેવાયત બારડને એક વર્ષની સાદી સજા અને ૯ ટકાના સાદા વ્યાજ સાથે બાકી રહેતી રકમ સોમનાથ ટ્રસ્ટને ૬ અઠવાડિયામાં ચૂકવી દેવી તેવો હુકમ કરતી સજા ફટકારી છે.

