Mumbai,તા.6
મુંબઈમાં એક મૂક-બધીર યુવતી સાથે થયેલા ગેંગરેપના મામલામાં માનવતા શરમાવે તેવો ખુલાસો થયો છે. DNA રિપોર્ટમાં સાબિત થયું છે કે પીડિતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા તેનો સગો પિતા જ છે. પોલીસે આ કેસમાં 17 લોકોની પૂછપરછ અને DNA ટેસ્ટ કર્યા હતા. હાલ પિતા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે.
મુંબઈમાં એક મકાનમાં મહિનાઓ સુધી એક એવું રહસ્ય છૂપાયેલું રહ્યું કે જેને સાંભળી કે સમજી શકાય તેમ નથી. એક 20 વર્ષની મૂક-બધીર યુવતી પોતાની જ પીડામાં કેદ થઈ ચુકી હતી. હવે આ સનસનાટીપૂર્ણ મામલા પોલીસ તપાસમાં એવી સચ્ચાઈ ઉજાગર થઈ છે, જેને સાંભળીને કોઈપણ ખળભળી ઉઠે.
ડીએનએ ટેસ્ટથી ખુલાસો થયો છે કે યુવતીના ગર્ભમાં ઉછરી રહેલું બાળક પીડિતાના પિતાનું જ છે. આ તથ્ય સામે આવ્યા બાદ પોલીસે પિતા પર કથિતપણે બળાત્કારનો કેસ નોંધીને તપાસ શરૂ કરી તો ઉજાગર થયું કે આ માત્ર રેપનો નહીં, પણ ગેંગરેપનો મામલો છે.
પોલીસ મુજબ, આ ઘટના માર્ચ-2024માં મુંબઈમાં બની હતી, પરંતુ તેનો ખુલાસો સપ્ટેમ્બરમાં થયો. ત્યારે આ યુવતીને પાંચ માસનો ગર્ભ હતો. સપ્ટેમ્બર, 2025માં યુવતીના પેટમાં તકલીફ થઈમ તેણે ઈશારામાં દાદીને જણાવ્યું કે તેને લાગે છે કે તેના પેટમાં કીડા ચાલી રહ્યા છે.
પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં તપાસ થઈ તો ડોક્ટરોએ યુવતી પ્રેગ્નેન્ટ હોવાનું જણાવ્યું. આ સાંભળતા જ પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ અને તેના પછી પોલીસને માહિતી આપવામાં આવી અને મામલાની તપાસ શરૂ થઈ.
પીડિતા પોતાની વાત કહેવા માટે અસમર્થ હતી. તે સાંભળી અને બોલી શકતી નથી. તેને કારણે પોલીસને તેની સાથે વાતચીત કરવામાં ઘણી મુશ્કેલી પડી. શરૂઆતમાં યુવતી નિવેદન આપવાથી પણ ખચકાતી હતી.
જ્યારે પોલીસે તેના પિતાની પૂછપરછ કરી, તો તેણે યૌન શોષણની આશંકાને ફગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે ફરિયાદ કરાવવાનો પણ ઈન્કાર કર્યો હતો.
કાઉન્સિલિંગ બાદ યુવતીએ હિંમત એકઠી કરી અને પોલીસને ઈશારામાં પુરી આપવીતી જણાવી.
તેની ફરિયાદ બાદ પોલીસે વધુ એક વ્યક્તિની ધરપકડ કરી અને એક 17 વર્ષીય સગીરને કસ્ટડીમાં લીધો. યુવતીએ બંનેને પોતાની સાથે દુષ્કર્મ કરનારાઓ તરીકે ઓળખ્યા.
તપાસ દરમિયાન પોલીસે 17 શકમંદો કે જેમાં પીડિતાનો પિતા પણ સામેલ હતો, તેમના ડીએનએ અને લોહીના સેમ્પલ લીધા. 27 જાન્યુઆરીના રિપોર્ટમાં ખુલાસો થયો કે પિતાના ડીએનએ પોઝિટિવ મેચ થયા છે.
પોલીસ અધિકારીઓ મુજબ, પીડિતાએ જણાવ્યું કે તેની સાથે ઘણીવાર દુષ્કર્મ થયું. કેટલાક આરોપી તેને સુમસામ જગ્યા પર લઈ જતા અને કથિતપણે તેને કોલ્ડ ડ્રિંક પીવડાવતા હતા.
પોલીસને શંકા છે કે આ ડ્રિંક્સનો ઉપયોગ તેને બેહોશ અથવા કમજોર કરવા માટે કરવામાં આવ્યો હશે. પોલીસને આશંકા છે કે યુવતીની સ્થિતિનો ફાયદો ઘણાં લોકોએ ઉઠાવ્યો. જો કે પિતાને મુખ્ય આરોપી ગણાવવામાં આવ્યો છે. પરંતુ પોલીસ હજી વધુ લોકોની પૂછપરછ કરી રહી છે અને એ જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે કે ગુનો ક્યાં ક્રમમાં અને કેવી રીતે થયો.

