(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.19
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચારે બનાવમાં ત્રણ મહિલા અને એક યુવક મળી ચાર જેટલાં લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રથમ બનાવમાં મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડીયા તાલુકાના તરઘરી જીતુભાઈ ગોવિંદભાઈ ખાનપરાની વાડીએ રહેતી કાવ્યાબેન જીતુભાઈ બરડે નામની 27 વર્ષીય પરિણીતાને મગજની તકલીફ થયેલ હોય, ગત તા.16 ના રાત્રીના 11 વાગ્યા દરમિયાન તરઘરી ગામની સીમમાં પતિ-પત્નિ સુતા હતા.
તે વખતે તેણી જાગી જઈ પોતાના પતિને માર મારવા લાગેલ હતી. જેથી તેણી પતિને તમ્મર તથા આંખે અંધારા આવી ગયેલ હોય, બાદમાં પરિણીતાએ વાડીમાં કુવામાં પડી અને પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નીપજ્યાંનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં સાવરકુંડલા ગામે, કૃષ્ણપ્લોટ, શેરી નં.6, દેવળા ગેટ વિસ્તારમાં રહેતાં દિવ્યાબેન અશોકભાઇ પટેલ નામનાં 69 વર્ષીય વૃધ્ધા તથા તેના પતિ બન્ને તા.16ના રોજ જામજોધપુરથી પોતાની મોટર સાયકલ લઇને સાવરકુડંલા તેમના ઘરે આવતા હતા ત્યારે અમરાપુર ગામ પાસે રસ્તામાં અચાનક ભુંડ આડુ પડતાં મોટર સાયકલ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં વૃધ્ધાને ગંભીર ઇજા થતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડીયા તાલુકાના નવા ઉજળા ગામે મુકેશભાઇ સાંગાણીની વાડીએ રહેતી રમીલાબેન ન્યારૂભાઇ અમલીયાર નામની 16 વર્ષીય તરૂણીને ગત તા.16 ના રોજ બપોરે 2 થી 3 વાગ્યાના દરમ્યાન તેણીની નાની બહેન સાથે ઝધડો થયેલ હોય જેથી તેણીને તેમના પિતાએ ઠપકો આપતા તેણીને મનમાં લાગી આવતા ગળાફાસો ખાઇ લેતાં તેણીનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જ્યારે ચોથા અને અંતિમ બનાવમાં અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે રહેતાં પાર્થભાઇ પુનાભાઇ નાકરાણી નામનાં 22 વર્ષીય યુવકે ગત તા.15 રાત્રીના આશરે અગિયારેક વાગ્યે ખંભાળીયા ગામે કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી’ જતા તેમનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

