Surendranagarતા.26
સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં બસો ધોવા માટે ઇલેક્ટ્રિક મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મશીન જિલ્લામાં પ્રથમવાર કાર્યરત થયું છે, જે દૈનિક 61 એસટી બસોનું સંચાલન કરતા આ ડેપોમાં સફાઈ પ્રક્રિયાને ઝડપી બનાવશે. સુરેન્દ્રનગર ડેપોમાં કુલ 66 બસો છે, જેમાંથી 61 બસોનું સંચાલન થાય છે અને દૈનિક 14,000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે.
આ બસ વોશિંગ મશીન (ઊંછઅ) માં 5000 લીટરનો એક પાણીનો ટાંકો અને 2000 લીટરનો બીજો ટાંકો છે, જેમાં 2 લીટર શેમ્પૂ ઉમેરવામાં આવે છે. આ શેમ્પૂ મિશ્રણ 2 થી 3 દિવસ ચાલે છે. મશીન દ્વારા બહારથી એક બસને ધોવામાં માત્ર 5 મિનિટનો સમય લાગે છે. આ મશીન 8 કલાકમાં બહારથી 30 બસોને સાફ કરી શકે છે. જો બસના અંદરના ભાગની સફાઈ હાથથી પાણીની નળી વડે કરવામાં આવે તો એક બસ પાછળ અડધો કલાકનો સમય લાગે છે. મશીન અને અંદરના ભાગની સફાઈ બંને કરવામાં આવે તો 8 કલાકમાં 15 બસો ધોઈ શકાય છે.
આ મશીન ચલાવવા માટે વર્કશોપનો એક ઓપરેટર અને કોન્ટ્રાક્ટરનો એક માણસ એમ કુલ બે વ્યક્તિઓ તૈનાત હોય છે. બસો ધોવા માટે બે પાળીમાં કામગીરી ચાલે છે: સવારે 9 થી સાંજે 4 અને સાંજે 4:30 થી રાત્રિના 12:30 સુધી. રાત્રિ પાળી દરમિયાન 15 બસોને ધોવામાં આવે છે.

