Tehran, તા.2
ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. શનિવારે શરૂ થયેલા આ જંગના પહેલા જ દિવસે ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીનું મૃત્યુ થયું હતું. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં ઈરાનના 48 ‘નેતાઓ’ માર્યા ગયા છે.
ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, યુદ્ધના પ્રથમ 30 કલાકમાં 2,000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન ફાઈટર જેટ્સે 700થી વધુ ઉડાન ભરી છે. ઈરાને વળતા જવાબમાં ઈઝરાયલ સહિત 9 દેશોમાં આવેલા અમેરિકી બેઝ પર હુમલા કર્યા છે.
ઇરાનમાં ખામેનીના મોત પર ઈરાનમાં 40 દિવસનો રાજકીય શોક અને સાત દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ઈરાનમાં સત્તા સંભાળવા માટે હાલમાં ત્રણ સભ્યોની એક કામચલાઉ (અસ્થાયી) સમિતિ બનાવવામાં આવી છે. જેમાં દેશના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન, ન્યાયતંત્રના વડા મોહસેની એજેઈ અને ધર્મગુરૂ અલીરઝા અરાફી સામેલ છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે એક નવો વીડિયો જાહેર કર્યો છે જેમાં તેની વાયુસેના દ્વારા ઇરાની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર લઇ જઇ રહેલા ટ્રકને નષ્ટ કરતા દર્શાવવામાં આવ્યું છે. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ મળીને ઇરાનના સૈન્ય ઠેકાણાઓ અને મિસાઇલ ક્ષમતાને નબળી પાડવા માટે સતત હુમલા કરી રહ્યા છે.
ઇરાયલી સેના અનુસાર, તેમના ડ્રોન અને ગુપ્તચર દેખરેખ પ્રણાલીએ એક એવા ટ્રકની ઓળખ કરી જે બેલિસ્સિટક મિસાઇલ લોન્ચર લઇને જઇ રહ્યો હતો અને સંભવતઃ ઇઝરાયલ તરફ મિસાઇલ છોડવાની તૈયારી કરી રહ્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈની હત્યાની સખત નિંદા કરી છે.
તેમણે આ ઘટનાને કાયરતાપૂર્ણ આતંકી હુમલો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પગલું દેશોના મૂલ્યો વિરુદ્ધ છે. આ માત્ર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ તેનાથી સમગ્ર વિશ્વની શાંતિ અને દેશોની સમાનતાના સિદ્ધાંતને ખતરો પેદા થઈ શકે છે.
આવું પગલું વૈશ્વિક વ્યવસ્થાને અસ્થિર કરી શકે છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તેઓ તેમના અધિકાર અને જવાબદારી નિભાવે.
તેમણે માગ કરી છે કે અમેરિકા અને ઇઝરાયલને આ આતંકવાદી હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવે અને તેમની વિરુદ્ધ ઠોસ અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે, જેથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.

